મુંબઈ: નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)એ ડ્રગ્સ મામલે કોમેડિયન ભારતી સિંહની ધરપકડ કરી છે. NCBએ ભારતીના ઘરે અને ઓફિસમાં દરોડા પાડ્યા પછી એને સવારે પૂછપરછ કરવા માટે બોલાવવામાં આવી હતી અને મોડી સાંજે એની ધરપકડ કરવામાં આવી હતી. ભારતી સિંહના ઘરેથી 86.5 ગ્રામ ગાંજો પણ મળી આવ્યો હતો. આ મામલે ભારતીના પતિ હર્ષ લિંબાચિયાની ઉપર પણ ધરપકડની તલવાર લટકી રહી છે.
આ પહેલાં શનિવારે NCBએ મુંબઈમાં ત્રણ જગ્યા પર દરોડા પાડ્યા હતા. ભારતી અને તેના પતિ હર્ષના ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા. NCBએ 21 નવેમ્બરે મુંબઈના ખાર દાંડા વિસ્તારમાં દરોડા પાડ્યા હતા અને 40 ગ્રામ ગાંજો અને માદક દવાઓ મળી આવી હતી.
ભારતી સિંહની ધરપકડ થયા પછી એનો મેડિકલ ટેસ્ટ અને કોરોના ટેસ્ટ કરવામાં આવશે. ભારતીની વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવશે. તપાસ એજન્સી હર્ષની ઊલટતપાસ કરી રહી છે અને એની પાસેથી સત્ય માહિતી કઢાવવાના પ્રયાસ કરી રહી છે કે તેઓ ક્યારથી ડ્રગ્સનું સેવન ક્યારથી કરે છે. સૂત્રોએ જણાવ્યું હતું કે આ બંનેની પૂછપરછમાં બંને જણે ડ્રગ્સ લીધું હોવાનો સ્વીકાર કર્યો હતો કે તેઓ ગાંજાનું સેવન કરે છે. ભારતીની NDPSની કલમ હેઠળ ધરપકડ કરવામાં આવી છે.
કસ્ટડીમાં વધુ એક ડ્રગ્સ માફિયા
NCBએ વધુ એક ડ્રગ પેડલરને કસ્ટડીમાં લીધો છે. જોકે હજુ સુધી તેના વિશે વધુ જાણકારી મળી શકી નથી. NCB સૂત્રોના અનુસાર આ ડ્રગ પેડલરના કેસને ભારતી સિંહના કેસ સાથે જોડીને જોવામાં આવી રહ્યો છે. દરોડા બાદ ભારતી પોતાની લાલ મર્સિડીઝમાં એનસીબીના અધિકારીઓ સાથે હર્ષ એનસીબીની ઇકો કારમાં ઝોનલ ઓફિસ રવાના થયો હતો.
