મુંબઈઃ હિન્દી ફિલ્મોના મહાન, લોકપ્રિય ચરિત્ર અભિનેતા અને દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સમ્માનિત પ્રાણ 93 વર્ષની વયે આ દુનિયામાંથી વિદાય લઈ ગયા હતા. 2013ની 12 જુલાઈએ તેઓ મુંબઈની હોસ્પિટલમાં અવસાન પામ્યા તે ભારતીય સિનેમાનું શતાબ્દી વર્ષ હતું. ઘણાયને ખબર નહીં હોય કે પ્રાણે એમની અભિનય કારકિર્દીની શરૂઆત એક્ટર તરીકે કરી હતી, પરંતુ બાદમાં તેઓ ખલનાયકીના રોલ કરીને અવ્વલ દરજ્જાના વિલન બન્યા હતા અને સહાયક અભિનેતા તરીકે કારકિર્દી સમાપ્ત કરી હતી.
રૂપેરી પડદા પર અને દર્શકોનાં મન પર પ્રાણે વિલન તરીકે એમના અભિનય દ્વારા એવી ઊંડી છાપ ઊભી કરી હતી કે લગભગ 25 વર્ષ સુધી ભારતમાં માતાપિતા એમના પુત્રોનું નામ પ્રાણ રાખવાનું પસંદ કરતા નહોતા. 1920માં 12 ફેબ્રુઆરીએ દિલ્હીમાં જન્મેલા પ્રાણે હિન્દી ફિલ્મોમાં વિલનના રોલને સ્ટીરિયોટાઈપમાંથી સરસ રીતે ચિત્રિત પાત્રમાં બદલી દીધો હતો.
સેંકડો ફિલ્મોમાં યાદગાર ભૂમિક ભજવનાર પ્રાણે અમુક ફિલ્મોમાં એવા ખૂંખાર વિલનનો રોલ કર્યો હતો કે એમને જોઈને ઘણી વાર બાળકો સંતાઈ જતા તો એમની સહ-મહિલા કલાકારો એમની સાથે કામ કરતાં શરૂઆતમાં ગભરાતી હતી. પ્રાણનું આખું નામ પ્રાણ કૃષ્ણ સિકન્દ હતું. એમના પિતા કેવલ ક્રિશન સિકન્દ સરકારી સિવિલ કોન્ટ્રાક્ટર હતા.
એમના પિતાને કામકાજને કારણે અનેક શહેરોમાં શિફ્ટ થવું પડતું હતું. એને કારણે પ્રાણનું બાળપણ સ્થિર રહ્યું નહોતું. એમનું ભણવાનું પણ લાહોરથી ઉન્નાવ, એમ જુદા જુદા સ્થળોએ થતું રહ્યું હતું. તેઓ ભણવામાં સરેરાશ વિદ્યાર્થી હતા. પિતાએ જ્યારે કારકિર્દીની પસંદગી વિશે પૂછ્યું હતું ત્યારે પ્રાણે પોતાને ફોટોગ્રાફીમાં રસ હોવાનું કહ્યું હતું. પિતાએ દિલ્હીમાં પોતાના એક મિત્રના ફોટો સ્ટુડિયોમાં એમને નોકરીએ રખાવ્યા હતા. ત્યાં પ્રાણની મહેનતથી ફોટો સ્ટુડિયોનો ધંધો વધ્યો અને વિકસ્યો હતો. માલિકે લાહોરમાં સ્ટુડિયો શરૂ કર્યો હતો અને પ્રાણને ત્યાં ગોઠવ્યા હતા. એ વખતે પ્રાણ 19 વર્ષના હતા.
બસ એ જ અરસામાં ફિલ્મોમાં એમની એન્ટ્રી થઈ. એક વખત તેઓ શિમલામાં હતા ત્યારે રામલીલામાં સીતાનો રોલ કર્યો હતો. રામ તરીકે હતા મદનપુરી (હિન્દી ફિલ્મોના અન્ય લોકપ્રિય ચરિત્ર અભિનેતા). લાહોરમાં, ફિલ્મ પટકથાલેખક વલી મોહમ્મદ વલી એક વાર જ્યારે ફોટો સ્ટુડિયો દુકાને ગયા હતા ત્યારે પ્રાણને અનોખી સ્ટાઈલમાં પાન ખાતા જોયા અને એમનાથી પ્રભાવિત થઈ ગયા. એ દિવસે શુક્રવાર હતો એમણે પ્રાણને દલસુખ પંચોલી નામના ફિલ્મ નિર્માતાને શનિવારે જ મળવા કહ્યું હતું. પ્રાણને ફિલ્મ લાઈનમાં જવાની ઈચ્છા નહોતી એટલે તેઓ શનિવારે પંચોલીને મળવા ગયા નહોતા. એને બદલે બીજા શનિવારે ગયા હતા. એ વખતે વલી ત્યાં હાજર હતા અને અઠવાડિયું મોડા આવવા બદલ પ્રાણ પર ભડકી ગયા હતા અને પંજાબીમાં એમને ગાળો સંભળાવી હતી. પ્રાણે માફી માગી હતી. તે પછી વલી પ્રાણના ઘેર ગયા હતા અને ત્યાંથી પોતાની કારમાં બેસાડીને નિર્માતા પાસે લઈ ગયા હતા.
પ્રાણે 1940માં પંજાબી ફિલ્મ ‘યમલા જટ’માં વિલનની ભૂમિકા કરી હતી. એમાં નૂરજહાં અભિનેત્રી હતી. પ્રાણે ત્યારબાદ બીજી બે પંજાબી ફિલ્મ પણ કરી હતી. 1942માં એમને પહેલી વાર હિન્દી ફિલ્મમાં કામ કરવાનો મોકો મળ્યો હતો અને તેનું નામ હતું – ‘ખાનદાન’. એમાં તેમની હિરોઈન હતી નૂરજહાં. ભારત-પાકિસ્તાનના ભાગલા થયા તે પહેલાં પ્રાણે બે ડઝન જેટલી ફિલ્મોમાં કામ કર્યું હતું. મોટા ભાગની ફિલ્મોમાં તેઓ હિરો હતા. પરંતુ એમને પોતાને જ હિરોની ભૂમિકા ભજવવાનું ગમતું નહોતું. ગીતો ગાવાનું અને ઝાડની ફરતે હિરોઈનનો પીછો કરવાનું એમને ગમતું નહોતું. ભાગલાએ અભિનેતા તરીકેની એમની કારકિર્દી પર બ્રેક મૂકી દીધી હતી. ત્યારબાદ એમણે લગ્ન કર્યા અને એક પુત્રના પિતા પણ બન્યા. 1947ના ઓગસ્ટમાં લાહોરમાં કોમી હિંસા ફાટી નીકળી હતી ત્યારે સદ્દભાગ્યે પ્રાણ ઈન્દોરમાં હતા. દીકરાના પહેલા જન્મદિવસની ઉજવણી નિમિત્તે તેઓ લાહોરથી ઈન્દોર આવ્યા હતા.
તે પછી પ્રાણ અને એમનો પરિવાર મુંબઈમાં સ્થાયી થઈ ગયો, પરંતુ પ્રાણને કામકાજ મળતું નહોતું. 1948માં એમને બોમ્બે ટોકિઝ બેનરે ‘ઝિદ્દી’ ફિલ્મમાં એમને વિલનની ભૂમિકા ઓફર કરી હતી. એ ફિલ્મે દેવ આનંદને હિરો તરીકે લોન્ચ કર્યો હતો. એ ફિલ્મ 1949માં રિલીઝ થઈ હતી. પ્રાણે એમના અભિનય દ્વારા સૌને પ્રભાવિત કર્યા હતા અને એમની પર નવી ઓફરોનો વરસાદ વરસવા માંડ્યો. અલીફ લૈલા, હલાકુ ફિલ્મોમાં તેઓ ચમક્યા હતા.
રાજકપૂરની ‘જિસ દેશ મેં ગંગા બહતી હૈ’માં એમણે ખૂંખાર ડાકૂનો કરેલો રોલ ખૂબ યાદગાર બન્યો છે. ત્યારબાદ એમણે મધુમતી, દિલ દિયા દર્દ લિયા, રામ ઔર શ્યામ, દુનિયા, ઝંજીર, મજબૂર, ડોન, કાલિયા, અમર અકબર એન્થની, નસીબ, શરાબી જેવી અનેક ફિલ્મોમાં કામ કર્યું હતું. દરેક ફિલ્મોમાં તેઓ પોતાની ભૂમિકામાં દર્શકોના મન પર આગવી છાપ છોડી ગયા હતા. 1967માં મનોજ કુમારની ‘ઉપકાર’ ફિલ્મમાં એમણે ‘મલંગચાચા’ની કરેલી ભૂમિકા બાદ એમને માટે સકારાત્મક ભૂમિકાઓનો નવો માર્ગ મોકળો થયો હતો.
