મુંબઈઃ બોલીવૂડ એક્ટર ગુલશન ગ્રોવર હિન્દી સિનેમાના ‘બેડમેન’ છે. તેમનો આજે જન્મદિવસ છે. તેમની ગણતરી ફિલ્મોના સૌથી લોકપ્રિય વિલનોમાં થાય છે. ગુલશન ગ્રોવરે બોલીવૂડમાં ખૂબ નામ કમાવ્યું છે. તેઓ નામની સાથે કીર્તિ અને દામ પણ કમાઈ રહ્યા છે. દર વર્ષે તેઓ લાખ્ખો રૂપિયાની કમાણી કરે છે, પણ એક સમય એવો હતો કે તેમને સ્કૂલની ફી ભરવા માટે સામાન વેચવો પડ્યો હતો.
ગુલશન ગ્રોવરનો જન્મ 21 સપ્ટેમ્બર, 1955માં દિલ્હી થયો હતો. તેણે પ્રારંભમાં દિલ્હીમાં લીધું હતું. ગુલશનને નાનપણમાં એક્ટિંગનો શોખ હતો. જે પછી તેમણે મુંબઈમાં સ્કૂલમાં એડમિશન લીધું અને એક્ટિંગ શીખી. ગુલશન ગ્રોવર પર લખેલા પુસ્તક ‘બેડમેન’માં આ વાતનો ઉલ્લેખ છે કે તેમણે સ્કૂલની ફી ભરવા સામાન વેચતા હતા. તેઓ સવારે સ્કૂલની બેગમાં સ્કૂલ-ડ્રેસ લઈને જઈને ઘરે-ઘરે જઈને વર્તન અને કપડાં ધોવાનો પાઉડર વેચતા હતા. તેમનો પરિવાર ઘણો ગરીબીમાંથી પસાર થયો હતો, પણ હવે તેમની પાસે નાણાંની કમી નથી.
ગુલશન ગ્રોવર 400થી વધુ ફિલ્મો કરી ચૂક્યા છે. મોટા ભાગની ફિલ્મોમાં તેમણે ‘વિલન’ની ભૂમિકા ભજવી છે. ‘આઇ એમ કલામ’ ફિલ્મ માટે તેમને નેશનલ એવોર્ડ એનાયત થયો હતો. ગ્રોવર પાસે એક વેબસાઇટના દાવા પ્રમાણે 18 મિલિયન ડોલરની સંપત્તિ છે, જે ભારતીય રૂપિયામાં આશરે રૂ. 132 કરોડ થાય છે. છેલ્લાં પાંચ વર્ષોમાં તેમની આવકમાં સતત વધારો થયો છે.
