સંજય ભણસાલીની ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ ફિલ્મ સામે કેસ

મુંબઈઃ નિર્માતા-દિગ્દર્શક સંજય લીલા ભણસાલીની હિન્દી ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ રિલીઝ થાય એ પહેલાં જ મુસીબતમાં મૂકાઈ ગઈ છે. આલિયા ભટ્ટને ટાઈટલ ભૂમિકામાં ચમકાવતી આ ફિલ્મનું શૂટિંગ મુંબઈમાં શરૂ કરી દેવામાં આવ્યું છે, પણ ફિલ્મ જેમનાં જીવન પર આધારિત છે તે સ્વ. ગંગુબાઈનાં પરિવારજનોએ વિરોધ ઉઠાવી કેસ કર્યો છે. ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ ફિલ્મ હુસૈન ઝૈદી લિખિત પુસ્તક ‘માફિયા ક્વીન્સ ઓફ મુંબઈ’ પર આધારિત છે. એમાં ઝૈદીએ ગંગુબાઈ કોઠેવાલી (મુંબઈના કમાઠીપુરા વિસ્તારના એક વેશ્યાવાડાની માલિકણ ગંગુબાઈ)નો પણ સમાવેશ કર્યો છે. અહેવાલો અનુસાર, સંજય લીલા ભણસાલી, આલિયા ભટ્ટ અને હુસૈન ઝૈદી સામે મુંબઈ સિટી સિવિલ કોર્ટમાં કેસ કરાયો છે અને એમને 7 જાન્યુઆરી, 2021 સુધીમાં જવાબ આપવાનું કાનૂની નોટિસમાં જણાવાયું છે.

‘ગંગુબાઈ કાઠિયાવાડી’ ફિલ્મને સંજય લીલા ભણસાલીની ભણસાલી પ્રોડક્શન્સ અને જયંતીલાલ ગડાની પેન મિડિયા લિમિટેડ કંપનીઓ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી રહી છે. ફિલ્મને 2020ના સપ્ટેમ્બરમાં રિલીઝ કરવાનું નક્કી કરાયું હતું, પણ કોરોના રોગચાળાને કારણે એની રિલીઝ મુલતવી રખાઈ છે. ફિલ્મમાં ભારત-પાકિસ્તાનના ભાગલા પૂર્વે અને ત્યારબાદના સંજોગો વિશેની વાર્તા પણ બતાવવામાં આવશે.