‘ધ એક્સોર્સિસ્ટ’ની સીક્વલ પર કામ શરૂ થયું

ન્યૂયોર્કઃ હોલીવૂડની સુપરહિટ નિવડેલી હોરર ફિલ્મ ‘ધ એક્સોર્સિસ્ટ’ની સીક્વલ બનાવવાનું કામ નિર્માતા ડેવિડ ગોર્ડન ગ્રીને શરૂ કરી દીધું છે. ભૂતપિશાચની વાર્તાવાળી ‘ધ એક્સોર્સિસ્ટ’ ફિલ્મ 1973માં આવી હતી અને આખી દુનિયામાં છવાઈ ગઈ હતી. ત્યારે એ ફિલ્મે દુનિયાભરમાં 19 કરોડ 30 લાખ ડોલરની કમાણી કરી હતી જે તે સમયે સૌથી ઊંચી રકમ હતી. ‘ધ એક્સોર્સિસ્ટ’માં 12 વર્ષની એક છોકરીની વાર્તા છે, જેને એક ભૂત વળગ્યું હોય છે. છોકરીની માતા ત્યારબાદ પાદરીઓની મદદથી એની દીકરીને એ મુસીબતમાંથી બચાવે છે. ફિલ્મ 1971માં પ્રસિદ્ધ થયેલી વિલિયમ પીટર બ્લેટીની નવલકથા પર આધારિત હતી. ‘ધ એક્સોર્સિસ્ટ’ ફિલ્મને બેસ્ટ પિક્ચર સહિત 10 ઓસ્કર માટે નામાંકન મળ્યું હતું.

મૂળ ‘ધ એક્સોર્સિસ્ટ’ ફિલ્મ વિલિયમ ફ્રાઈડકીને બનાવી હતી. હવે એની સીક્વલ બનાવવા માગે છે ડેવિડ ગોર્ડન ગ્રીન, જેમણે 2018માં ‘હેલોવીન’ હોરર ફિલ્મ બનાવી હતી. ‘ધ એક્સોર્સિસ્ટ’ની સીક્વલ બનાવવા માટે તેઓ બ્લુમહાઉસ અને મોર્ગન ક્રીક પ્રોડક્શન્સ જેવી ફિલ્મ નિર્માણ કંપનીઓ સાથે વાટાઘાટ ચલાવી રહ્યા છે.