નાગરિકતા કાયદા મામલે બોલીવૂડમાં બે ભાગ પડી ગયા; કેટલાક સિતારાઓએ મૌન પસંદ કર્યું

મુંબઈ – કેન્દ્ર સરકારે સંસદમાં પાસ કરાવી દીધેલા નાગરિકતા સુધારા કાયદા (CAA)ને કારણે દેશભરમાં વિરોધનો વંટોળ ઊભો થયો છે. આ કાયદો ધર્મના આધારે ઘડવામાં આવ્યો છે અને તે દેશમાં અરાજકતા ફેલાવશે એવો ઘણાએ વિરોધ કર્યો છે તો ઘણાએ કાયદાની તરફેણ કરી છે.

હિન્દી ફિલ્મ ઉદ્યોગ પણ આ મામલે બે ભાગમાં વહેંચાઈ ગયો છે. કેટલાક કલાકારોને આ કાયદો ગમ્યો છે તો કેટલાકને નથી ગમ્યો તો કેટલાકે મૌન જાળવવાનું પસંદ કર્યું છે.

નિર્માતા-દિગ્દર્શક અને સંગીતકાર વિશાલ ભારદ્વાજે કહ્યું છે કે CAA કાયદો ધર્મના આધારે લોકોમાં ભાગલા પડાવનારો છે. આ એ ભારત નથી, જ્યાં હું ઉછર્યો છું.

અન્ય નિર્માતા મુકેશ ભટ્ટનું કહેવું છે કે દેશને આગની જ્વાળાઓમાં લપેટાયેલો જોઈને મને બેહદ દુઃખ થાય છે. જો યુવાઓ ગુસ્સામાં અને નારાજ થઈને રસ્તાઓ પર ઉતરી આવ્યા છે તો આપણે ધ્યાનપૂર્વક ચર્ચા કરવી જોઈએ કે શું ખોટું થયું છે.

નિર્માતા વિવેક અગ્નિહોત્રી કાયદાની તરફેણમાં બોલ્યા છે. એમણે વિરોધ-દેખાવોની ટીકા કરી છે અને દેખાવોને ટેકો આપનાર હસ્તીઓની ઝાટકણી કાઢી છે.

સોશિયલ મિડિયા પર અગ્નિહોત્રીને અન્ય ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપ અને અભિનેત્રી સ્વરા ભાસ્કર સાથે વાક્યુદ્ધ થયું હતું.

અભિનેતા પરેશ રાવલે કાયદાની તરફેણ કરી છે. એમણે પોતાના ટ્વીટમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહને ટેકો આપ્યો છે અને લખ્યું છે કે સરદાર પટેલે ભારતને સંગઠિત કર્યા હતા અને નરેન્દ્ર મોદી ક્યારેય એમાં ભાગલા પડવા નહીં દે.

નિર્માત્રી અને પીઢ અભિનેત્રી અપર્ણા સેને કહ્યું છે કે CAA વિરુદ્ધ દેશભરમાં દેખાવો થઈ રહ્યા છે. લોકોના અવાજને દબાવી ન શકાય.

અભિનેત્રી પાયલ રોહતગીએ કહ્યું કે પીડિત હિન્દુઓને જો ભારત દેશ શરણ નહીં આપે તો કયો દેશ આપશે. કેટલાક લોકો કહે છે કે ભારત હિન્દુ રાષ્ટ્ર બનશે, તો એમાં લોકોને તકલીફ શું છે.

અભિનેતા ફરહાન અખ્તરે મુંબઈમાં કાયદાની વિરુદ્ધમાં યોજાઈ ગયેલા દેખાવોમાં ભાગ લીધો હતો, પણ એણે ટ્વિટર પર એમની એક પોસ્ટમાં ભારતનો વિવાદાસ્પદ નકશો મૂક્યો હતો એને કારણે એમની આકરી ટીકા કરવામાં આવી છે. ફરહાનને બાદમાં એ ટ્વીટ બદલ માફી માગવી પડી હતી.

અભિનેતા હૃતિક રોશને કહ્યું કે દેશની શૈક્ષણિક સંસ્થાઓમાં ફેલાયેલી અશાંતિથી હું બહુ દુઃખી થઈ ગયો છું. આશા છે કે શાંતિ ઝડપથી પ્રસ્થાપિત થશે.

અભિનેત્રી કંગના રણૌતે આ મામલે મૌન જાળવનાર ફિલ્મી હસ્તીઓની ઝાટકણી કાઢી છે.

અભિનેત્રી દિયા મિર્ઝાએ કહ્યું કે મારી માતા હિન્દુ છે, મારા જૈવિક પિતા ખ્રિસ્તી હતા, મારા દત્તક પિતા મુસ્લિમ છે. મારા બધા અધિકૃક દસ્તાવેજોમાં મારી ધર્મવાળી કોલમ ખાલી છે. શું ધર્મ નક્કી કરે છે કે હું ભારતીય છું કે નહીં. હું આશા રાખું છું કે આવું ક્યારેય નહીં બને.