મુંબઈઃ કેન્સર સામે લાંબો સમય સુધી ઝીંક ઝીલ્યા બાદ, પરંતુ મોટા આંતરડામાં લાગેલા ચેપને કારણે તબિયત લથડી જતાં બોલીવૂડ અભિનેતા ઈરફાન ખાને આજે વહેલી સવારે અહીં કોકિલાબેન અંબાણી હોસ્પિટલમાં આખરી શ્વાસ લીધો હતો. એ 54 વર્ષના હતા.
ઈરફાનના નિધનને કારણે એમના પ્રશંસકોમાં તેમજ હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં શોકની લાગણી ફરી વળી છે.
અમિતાભ બચ્ચન સહિત બોલીવૂડના અનેક કલાકારો અને કસબીઓએ ઈરફાનના નિધન અંગે શોક વ્યક્ત કર્યો છે.
અમિતાભ બચ્ચને ટ્વીટ કરીને કહ્યું કે, ઈરફાન ખાનના નિધનના મને દુઃખદ સમાચાર મળ્યા. એ ટેલેન્ટેડ અભિનેતા હતા. મહાન સહયોગી હતા. સિનેમા જગતના એક શાનદાર યોગદાનકર્તા હતા. એ બહુ જલદી છોડીને જતા રહ્યા. એમના નિધનથી હું ખાલીપો મહેસુસ કરી રહ્યો છું.
અમિતાભે ઈરફાન ખાન સાથે ‘પિકુ’ ફિલ્મમાં કામ કર્યું હતું.
અક્ષય કુમારે ટ્વીટમાં કહ્યું છે, બહુ ભયાનક સમાચાર. ઈરફાન ખાનનું નિધન થયાનું જાણી બહુ દુઃખ થયું. હાલના સમયના એ પ્રતિભાશાળી અભિનેતાઓમાંના એક હતા. ઈશ્વર એમના પરિવારજનોને આ કઠિન સમયમાં શક્તિ આપે.
જાણીતા ગીતકાર અને લેખક જાવેદ અખ્તરે કહ્યું કે, ઈરફાનના નિધનથી હું બહુ દુઃખી થયો છું. એમણે ઘણું કામ કરવાનું બાકી હતું. હું એમને દોઢ વર્ષ પહેલાં લંડનમાં અમારા એક સમાન મિત્રને ત્યાં મળ્યો હતો. ત્યારે જ એમણે મને કહેલું કે હું ટૂંક સમયમાં જ મુંબઈ જઈશ અને સૌને મળીશ. એ પછી ઈરફાન સાથે મારે મુલાકાત થઈ નહોતી. એ શાનદાર અભિનેતા હતા.
નિર્માતા-દિગ્દર્શક બોની કપૂરે કહ્યું, આપણે એક ઉત્કૃષ્ટ અભિનેતા ગુમાવી દીધા છે. એ બહુ લાંબા સમય સુધી લડ્યા હતા. એમના પરિવાર પ્રતિ મારી સંવેદના વ્યક્ત કરું છું.
ચરિત્ર અભિનેતા અનુપમ ખેરે એક વિડિયો નિવેદનમાં કહ્યું કે, એ પ્રિય મિત્ર હતા, ઉત્કૃષ્ટ અભિનેતા અને અદ્દભુત માનવી હતા. એમના નિધનના સમાચાર હૃદયદ્રાવક છે. ભગવાન એમના આત્માને શાંતિ આપે.