મુંબઈ: કોરોના વાઈરસને કારણે સમગ્ર વિશ્વ લગભગ લોક ડાઉનની સ્થિતિમાં છે. આવા સમયે, ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ તેમની બધી ફરિયાદોને ભૂલીને સાથે મળીને લડવાનું નક્કી કર્યું છે.
આખી દુનિયા કોરોના સામે ઝઝૂમી રહી છે ત્યારે બોલિવૂડ પણ તેમાંથી બાકાત નથી. આ સમયે, બોલીવૂડમાં તમામ કામ ઠપ છે અને સૌથી મોટી સમસ્યા તે લોકો બની છે જે રોજિંદા વેતન પર કામ કરે છે. જો કે, હવે ફિલ્મ ઉદ્યોગના મોટા ચહેરાઓ મદદ માટે આગળ આવ્યા છે.
ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોઇઝ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો કે ફિલ્મના સેટ પર રોજિંદા વેતન પર કામ કરતા જરૂરીયાતમંદ લોકોને રાશનનું વિતરણ કરશે. આ મદદ માટે બોલીવુડની અનેક હસ્તીઓ આગળ આવી છે. જેમાં સોનમ કપૂર, જાવેદ અખ્તર, મધુર ભંડારકર, સલીમ મર્ચન્ટ, સંજય ગુપ્તા, વિવેક અગ્નિહોત્રી અને કરણવીર વોહરા સહિતના ઘણા લોકો સોશિયલ મીડિયા દ્વારા મદદ માટે આગળ આવ્યા છે.
અત્યારે રોજિંદા વેતન પર કામ કરતા પાંચ હજાર લોકો માટે વિતરણ સામગ્રી ઓર્ડર કરવામાં આવી છે. મુંબઈના ગોરેગાંવ વેસ્ટ સ્થિત ફિલ્મિસ્તાન સ્ટુડિયો ખાતેથી રવિવારે સવારે રાશન વિતરણ શરૂ થશે. આ ઉપરાંત નિર્માતાઓ સાથે વાત કરીને મજૂર યૂનિયનના તમામ કર્મચારીઓને રિલીફ ફંડ આપવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.
ફિલ્મ સ્ટુડિયો સેટિંગ અને એલાઈડ મજૂર યુનિયનના જનરલ સેક્રેટરી અને FWICEના ટ્રેઝરર ગંગેશ્વર શ્રીવાસ્તવે જણાવ્યું કે, જે કામદારો પગાર પર કોઈપણ નિર્માતાને ત્યાં કામ કરી રહ્યા છે, 15 દિવસ કામ બંધ રહેશે તો તેમનો પગાર કાપવામાં નહીં આવે, સંપૂર્ણ પગાર ચૂકવવામાં આવશે.