મુંબઈઃ નશીલી દવાઓની જપ્તી અને સેવન અંગે નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (એનસીબી)એ નોંધાવેલા કેસમાં પકડાયેલી કોમેડિયન ભારતી સિંહ અને એનાં પતિ હર્ષ લિમ્બાચિયાને મુંબઈની સ્પેશિયલ કોર્ટે 4-ડિસેમ્બર સુધી અદાલતી કસ્ટડીમાં મોકલી આપ્યા છે. કોર્ટના ઓર્ડર બાદ તરત જ દંપતીના વકીલ અયાઝ ખાને જામીન અરજીઓ નોંધાવી હતી, જેની પર આવતીકાલે સુનાવણી કરાશે.
ભારતીની ધરપકડ શનિવારે રાતે કરાઈ હતી જ્યારે હર્ષની રવિવારે વહેલી સવારે પકડવામાં આવ્યો હતો. એનસીબીના અધિકારીઓએ દંપતીના અંધેરી (વેસ્ટ) સ્થિત ઘર અને ઓફિસ પર દરોડો પાડ્યા બાદ અને ત્યાંથી 86.50 ગ્રામ મેરિયુઆના કે ગાંજો કથિતપણે મળી આવ્યા બાદ બંનેની ધરપકડ કરવામાં આવી હતી.
આ બંનેની ધરપકડથી મનોરંજન જગતમાં આંચકો લાગ્યો છે. આ બંનેનું નામ ડ્રગ્સના બે દાણચોરોએ આપ્યું હતું. તે દાણચોરને શનિવારે વહેલી સવારે મુંબઈમાંથી પકડવામાં આવ્યા હતા. ભારતી અને હર્ષે ડ્રગ્સનું સેવન કર્યાંનો એકરાર કર્યો હતો અને તે પછી એમની પૂછપરછ કરાઈ હતી અને બાદમાં ધરપકડ કરાઈ હતી.