તમામ ભારતીયોનાં મન પર રાજ કરનાર આશા ભોસલે થયાં ૯૦ વર્ષનાં

મુંબઈઃ આઠ દાયકાઓથી ભારતનાં સંગીતપ્રેમીઓનાં મન પર છવાઈ જનાર લોકપ્રિય પાર્શ્વગાયિકા ‘પદ્મવિભૂષણ’ સમ્માનિત આશા ભોસલે આજે એમનો 90મો જન્મદિવસ ઉજવી રહ્યાં છે. આજના વિશેષ દિવસે એમની પર અભિનંદન અને શુભેચ્છાનો વરસાદ વરસી રહ્યો છે. 90મા વર્ષે પણ આશાજી સ્વસ્થ છે. એમને ઓ.પી. નૈયરથી લઈને એ.આર. રહેમાન સુધી – સંગીતકારોની ચાર પેઢી સાથે કામ કરવાનું નસીબ પ્રાપ્ત થયું છે. આશાજી આટલી મોટી ઉંમરે પણ રોજ ગાયકીનો રિયાઝ કરવાનું ચૂકતાં નથી.

જાણવા જેવી વાત છે કે, 1947માં, એક ફિલ્મ માટે એક અજમાયશ વખતે આશા ભોસલેને ગાયિકા તરીકે નાપસંદ કરવામાં આવ્યાં હતાં. સહ-ગાયક (જે કિશોરકુમાર હતા) એમની સાથે આશાજીનો સ્વર સાઉન્ડ રેકોર્ડિંગ એન્જિનીયરને ઠીક લાગ્યો નહોતો. આશાજીને સહાયક અભિનેત્રીઓ માટે ગીતોમાં સ્વર આપવાની તક મળતી નહોતી. બ્રેક મળવા માટે એમને એક દાયકા જેટલા સમયની રાહ જોવી પડી હતી. એનું મુખ્ય કારણ એ હતું કે એ અરસામાં શમશાદ બેગમ, ગીતા રોય-દત્ત, સુરૈયા અને આશાજીનાં મોટાં બહેન લતા મંગેશકર જેવાં પાર્શ્વગાયિકાઓ છવાઈ ગયાં હતાં અને બીજી કોઈ ગાયિકા માટે અવકાશ નહોતો. છેક 1950ના દાયકાના અંતભાગમાં, બે સંગીતકાર – ઓ.પી. નૈયર અને એસ.ડી. બર્મને આશા ભોસલેને બ્રેક આપ્યો હતો. એ બંને સંગીતકારે લતાજીને બદલે આશાજી પાસે ગીત ગવડાવવાનું પસંદ કર્યું હતું.

1956માં ‘સીઆઈડી’ ફિલ્મમાં આશાજીએ મોહમ્મદ રફી અને શમશાદ બેગમ સાથે ગીત ગાયું હતું ‘લે કે પેહલા પેહલા પ્યાર ભર કે આંખો મેં ખુમાર…’ 1957માં, બી.આર. ચોપરાએ ‘નયા દૌર’ ફિલ્મમાં વૈજયંતીમાલા માટે આશાજી પાસે ગીત ગવડાવ્યાં હતાં. હિરોઈન માટે આશાજીએ તે પહેલી જ વાર ગીત ગાયું હતું અને એ ગીતો સુપરહિટ થઈ ગયા. ગીત હતાઃ ‘ઉડે જબ જબ ઝુલ્ફેં તેરી’, ‘માંગ કે સાથ તુમ્હારા મૈંને માંગ લિયા સંસાર’, ‘રેશમી સલવાર કુર્તા જાલી કા’, ‘સાથી હાથ બઢાના’…

એ પછી ચોપરાની ફિલ્મોમાં આશા ભોસલેને કાયમી સ્થાન મળી ગયું હતું. જેમ કે, ‘વક્ત’ (1965)માં ‘આગે ભી જાને ન તૂ, પીછે ભી જાને તૂ, જો ભી હૈ બસ યે હી ઈક પલ હૈ’ અને ‘હમ જબ સીમટ કે આપ કી બાહોં મેં આ ગયે…’ ‘ધૂંદ’ (1973)માં ‘ઉલઝન સૂલઝે ના, રસ્તા સૂઝે ના, જાઉં કહાં મૈં…’ કિશોરકુમારની ‘ચલતી કા નામ ગાડી’ (1958) ફિલ્મમાં મધુબાલા માટે એસ.ડી. બર્મને આશાનો સ્વર પસંદ કર્યો અને લોકોને ખૂબ ગમી ગયો. ગીતો હતાઃ ‘હાલ કૈસા હૈ જનાબ કા’ અને ‘મૈં સિતારોં કા તરાના’. એસ.ડી. બર્મને તે પછી 1960માં ‘કાલા બાઝાર’ ફિલ્મમાં (અચ્છા જી મૈં હારી ચલો માન જાઓ ના), ‘બમ્બઈ કા બાબૂ’ (1960)માં (દીવાના મસ્તાના હુઆ દિલ), ‘સુજાતા’ (1959)માં આશાજી પાસે ગીત ગવડાવ્યા હતા.