અનુપમ ખેરને ‘ડો.મનમોહનસિંહ’ બનાવનાર મેકઅપ આર્ટિસ્ટનું નિધન

મુંબઈઃ હિન્દી ફિલ્મ ‘ધ એક્સીડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર’માં ભૂતપૂર્વ વડા પ્રધાન ડો. મનમોહનસિંહના પાત્ર માટે પોતાનો મેકઅપ કરનાર યુવાન વયના મેકઅપ આર્ટિસ્ટનું નિધન થતાં અભિનેતા અનુપમ ખેર શોકગ્રસ્ત થયા છે. એમણે 33-વર્ષીય પ્રણય દીપક સાવંતના નિધન અંગે સોશિયલ મિડિયા પર શોક વ્યક્ત કર્યો છે.

‘ધ એક્સીડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર’ 2019ના જાન્યુઆરીમાં રિલીઝ થઈ હતી. ખેરે પોતાના સોશિયલ મિડિયા એકાઉન્ટ પર વિડિયો શેર કર્યો છે જેમાં હેર અને મેકઅપ આર્ટિસ્ટ પ્રણવ સાવંતને ડો.મનમોહનસિંહના પાત્ર માટે ખેરનો મેકઅપ કરતાં જોઈ શકાય છે. ખેરે પ્રણયના નિધન બદલ એમના પરિવારજનો પ્રતિ પોતાની દિલસોજી વ્યક્ત કરી છે.