જાતિગત-ટિપ્પણી બદલ એક્ટ્રેસ મુનમુન દત્તાની સામે FIR  નોંધાયો

નવી દિલ્હીઃ જાતિગત શબ્દોનો ઉપયોગ કરવા બદલ ‘તારક મહેતા કા ઊલટા ચશ્માં’ ફેમ એક્ટ્રેસ મુનમુન દત્તાની સામે FIR  નોંધવામાં આવ્યો છે. નાના પડદાના પોપ્યુલર ‘શો’માં બબિતાજીની ભૂમિકા ભજવનાર મુનમુનની સામે FIR હરિયાણાના હાંસીમાં નોંધવામાં આવ્યો છે. કેટલાક દિવસો પહેલાં મુનમુનનો એક વિડિયો વાઇરલ થયો હતો, જેમાં તેણે જાતિગત શબ્દોનો ઉપયોગ કર્યો હતો.

આ વિડિયો પર તેને ટ્રોલ કરવામાં આવી હતી, એ પછી એના માટે તેણે માફી માગી હતી. એક અહેવાલ મુજબ હાંસીના પોલીસ કમિશનર નીતિકા ગેહલોતે પુષ્ટિ કરી હતી કે આ મામલો SC/STની 3 (1) (U) હેઠળ સિટી પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ ગુરુવારે નોંધવામાં આવેલા આ મામલામાં તપાસ કરવામાં આવી રહી છે.

મશહૂર એક્ટ્રેસ મુનમુન દત્તાની સામે આ FIR નેશનલ એલાયન્સ ફોર દલિત હ્યુમન રાઇટ્સના સંયોજક રજત કલસનની ફરિયાદને આધારે નોંધવામાં આવ્યો છે. કલસને 11 મેએ હાંસી પોલીસને સીડીમાં રેકોર્ડ કરવામાં આવેલા વિડિયોની સાથે ફરિયાદ કરવામાં આવે છે.

આ વિડિયોમાં મુનમુન શું બોલી હતી?

મુનમુન દત્તાએ એક વિડિયોમાં કહ્યું હતું કે તે સારી દેખાવા ઇચ્છે છે અને ___ (એક વિશેષ અનુસૂચિત જાતિ)ની જેમ નથી દેખાવા ઇચ્છતી. તે ટ્રોલ થયા પછી સફાઈ આપતાં કહે છે કે તેણે એ શબ્દ વિશે જાણકારી નહોતી, નહીં તો તે આ શબ્દનો ઉપયોગ ના કરત.