આદિત્ય ચોપરાએ ઉજવણીનાં નાણાં કોવિડ-રાહતમાં દાનમાં આપી દીધા

મુંબઈઃ દેશમાં કોરોનાવાઈરસ રોગચાળાએ વિનાશ સર્જ્યો છે ત્યારે રાહત કાર્યો હાથ ધરવા માટે બોલીવૂડ નિર્માતા આદિત્ય ચોપરાએ પોતાના તરફથી દાન આપ્યું છે. યશરાજ ફિલ્મ્સ કંપનીના આ વડાએ હજી થોડાક દિવસો પહેલાં જાહેરાત કરી હતી કે હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં દૈનિક વેતન પર કામ કરતા 30 હજાર જેટલા કામદારોનો રસીકરણનો ખર્ચ એમની કંપની ઉપાડશે. એમણે તે માટે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાનને લેખિતમાં પણ જણાવ્યું હતું. હવે ચોપરાએ રાષ્ટ્રીય સ્તરે મદદરૂપ થવાનું નક્કી કર્યું છે.

પોતાની કંપનીની સ્થાપનાના 50 વર્ષ 2020માં પૂરા થયા એ નિમિત્તે ચોપરાએ આ વર્ષે ભવ્ય ઉજવણી કાર્યક્રમો યોજવાનું નક્કી કર્યું હતું, પરંતુ કોરોનાને કારણે એ ઉજવણીઓ રદ કરી દીધી છે અને એનો જે ખર્ચ બચી ગયો છે એના નાણાં તેમણે દેશમાં કોરોના બીમારી રાહત કાર્યો માટે દાનમાં આપ્યા છે. યશરાજ ફિલ્મ્સ કંપનીએ મુંબઈમાં ગોરેગાંવ અને અંધેરીમાં ક્વોરન્ટીન સેન્ટરોમાં કામ કરતા હજારો સેવાકર્મીઓ માટે ભોજન રાંધીને પૂરું પાડે છે. આ ભોજન કંપનીના અંધેરી સ્થિત સ્ટુડિયોના કિચનમાં રાંધવામાં આવે છે. હવે યશરાજ ફાઉન્ડેશન ફિલ્મ ઉદ્યોગની મહિલા કામદારો અને વરિષ્ઠ નાગરિક કામદારોના ખાતામાં સીધા પાંચ-પાંચ હજાર રૂપિયા જમા કરાવી એમને મદદરૂપ થવાના છે. તે ઉપરાંત ફિલ્મ પ્રોડક્શન કંપની ફિલ્મ ઉદ્યોગના કામદારોને એક મહિના માટે રેશનિંગની ચીજવસ્તુઓ પણ પૂરી પાડશે. આ માટે તેણે યૂથ ફીડ ઈન્ડિયા નામની એનજીઓ સાથે સહયોગ કર્યો છે.