મુંબઈઃ બોલીવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન આજે 81 વર્ષના થઈ ચૂક્યા છે. આ ઉંમરે પણ અમિતાભની પાસે પાંચ મોટી ફિલ્મો છે, જેમના દ્વારા તેમના પર આશરે રૂ. 1750 કરોડ દાવ પર લાગ્યા છે. આટલો દાવ તો હાલ શાહરુખ ખાન, સલમાન ખાન, આમિર ખાન અને રજનીકાંત પર પણ નથી લાગ્યો. બિગ Bએ પોતાના પાંચ દાયકાથી મોટી કેરિયરમાં બ્લોકબસ્ટર ફિલ્મો આપી છે.
તેમણે સંપત્તિ પણ ખૂબ બનાવી છે. તેઓ લક્ઝરી લાઇફ જીવે છે. એક અહેવાલ મુજબ સદીના મહા નાયક પાસે રૂ. 3390 કરોડની નેટવર્થ છે. છેલ્લા એક વર્ષમાં એક્ટરની સંપત્તિમાં રૂ. 200 કરોડનો વધારો થયો છે. અમિતાભ બોલીવૂડના સૌથી વધુ કમાણી કરતા એક્ટર્સમાંના એક છે. તેમની ફિલ્મો, શોઝ અને જાહેરાતો થકી તગડી કમાણી થાય છે.1969માં રિલીઝ થયેલી તેમની ફિલ્મ ‘સાત હિન્દુસ્તાની’ માટે તેમને માત્ર રૂ. 5000ની ફી મળી હતી. સમયાંતરે તેમની ફી વધતી ગઈ હતી. હવે બિગ B એક ફિલ્મ માટે રૂ. છ કરોડ ચાર્જ કરે છે.
છેલ્લા એક વર્ષમાં અમિતાભની ‘ઝુંડ’, ‘રાધે શ્યામ’, ‘રનવે 34’, ‘ફક્ત મહિલાઓ માટે’, ‘બ્રહ્માસ્ત્રઃ પાર્ટ વન-શિવ’, ‘ચૂપ: રિવેન્જ ઓફ ધ આર્ટિસ્ટ’, ‘ગુડબાય’ અને ‘ઊંચાઈ’ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું.
‘કૌન બનેગા કરોડપતિ’માં પહેલાં દરેક એપિસોડના તેઓ રૂ. 25 લાખ લેતા હતા. હવે આ શોને હોસ્ટ કરવા માટે એપિસોડદીઠ તેઓ રૂ. ચારથી પાંચ કરોડ ચાર્જ કરે છે. ટીવી શો સિવાય તેઓ એક જાહેરાતની ફી રૂ. છ કરોડની ફી લે છે. તેમને લક્ઝરી કારોનો ખૂબ શોખ છે, તેમની પાસે 11 લક્ઝરી કારો સામેલ છે.