છેતરપિંડી, ચેક બાઉન્સ કેસઃ અમીષા રાંચીની કોર્ટને શરણે આવી

રાંચીઃ ચેક બાઉન્સ થવાના એક કેસના સંબંધમાં બોલીવુડ અભિનેત્રી અમીષા પટેલ ગઈ કાલે રાંચી શહેરની સિવિલ કોર્ટમાં શરણે થઈ હતી. સિનિયર ડિવિઝન જજ ડી.એન. શુક્લાએ એની જામીન અરજી મંજૂર કરી હતી અને એને 21 જૂને કોર્ટમાં પ્રત્યક્ષ રીતે ફરી હાજર થવાનો આદેશ આપ્યો હતો.

આ કેસ 2018ની સાલનો છે જ્યારે ઝારખંડનિવાસી ફિલ્મ નિર્માતા અજયકુમાર સિંહે અમીષા વિરુદ્ધ છેતરપિંડી અને ચેક બાઉન્સની ફરિયાદ સાથે કોર્ટ કેસ નોંધાવ્યો હતો. ફરિયાદીના જણાવ્યા મુજબ, પોતે ‘દેશી મેજિક’ નામની એક ફિલ્મ બનાવી રહ્યા હતા અને એમાં ભૂમિકા ભજવવા માટે અમીષાની પસંદગી કરાયા બાદ એનાં બેન્ક ખાતામાં અઢી કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. પરંતુ અમીષાએ બાદમાં તે ફિલ્મમાં કામ કર્યું નહીં. એણે અઢી કરોડ રૂપિયાનો ચેક મોકલ્યો હતો, પરંતુ એ બાઉન્સ થયો હતો. ઝારખંડની ટ્રાયલ કોર્ટે અમીષા વિરુદ્ધ સમન્સ ઈસ્યૂ કર્યું હતું. અમીષાએ પોતાની સામેનો ટ્રાયલ કોર્ટનો આદેશ રદબાતલ કરવામાં આવે એવી ઝારખંડ હાઈકોર્ટમાં અપીલ કરી હતી, પરંતુ હાઈકોર્ટે તેની અરજીને નકારી કાઢી હતી. અમીષાએ હાઈકોર્ટના આદેશને 2022ની પાંચમી મેએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. 2022ના ઓગસ્ટમાં સુપ્રીમ કોર્ટે અમીષા સામે છેતરપિંડી અને ક્રિમિનલ વિશ્વાસઘાતના ગુનાઓ બદલ ક્રિમિનલ કાર્યવાહી કરવા સામે સ્ટે ઓર્ડર આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે તેમ છતાં એમ જણાવ્યું હતું કે નેગોશિએબલ ઈન્સ્ટ્રૂમેન્ટ્સ એક્ટની કલમ 138 (ચેક બાઉન્સ) હેઠળ શિક્ષાપાત્ર ગુના માટેની કાર્યવાહી કાયદા અનુસાર હાથ ધરી શકાય.

અમીષા ‘ગદર 2’ ફિલ્મમાં જોવા મળશે. સની દેઓલ સાથેની તેની આ ફિલ્મ આ વર્ષની 11 ઓગસ્ટે રિલીઝ થવાની છે. અગાઉ આ બે કલાકારે 2001માં આવેલી ‘ગદરઃ એક પ્રેમ કથા’ ફિલ્મમાં પણ કામ કર્યું હતું, જે ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ થઈ હતી. તે ફિલ્મ 1947માં ભારત-પાકિસ્તાનના ભાગલા વખતે થયેલા કોમી રમખાણો અને હિન્દુ યુવક સની દેઓલ તથા મુસ્લિમ યુવતી અમીષા વચ્ચેનાં પ્રેમની વાર્તા વિશેની હતી. તે ફિલ્મનું દિગ્દર્શન અનિલ શર્માએ કર્યું હતું અને હવે રીમેક ફિલ્મનું દિગ્દર્શન પણ એમણે જ કર્યું છે.