થઈ ગયા સીધાદોરઃ ‘આદિપુરુષ’ના વિવાદાસ્પદ ડાયલોગ્સ અઠવાડિયામાં સુધારવામાં આવશે

મુંબઈઃ ગઈ 16મી જૂને રિલીઝ થયેલી તેલુગુ અને હિન્દી ફિલ્મ ‘આદિપુરુષ’ના અમુક બકવાસ સંવાદોને કારણે દેશભરનાં હિન્દૂ લોકો ભડકી ગયાં છે. આને કારણે ફિલ્મ રિલીઝ થયાના પહેલા જ અઠવાડિયાથી વિવાદાસ્પદ બની ગઈ છે. ઓમ રાઉત દિગ્દર્શિત આ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માગણી કરતી અરજી પણ કોર્ટમાં નોંધવામાં આવી છે. હિન્દૂધર્મીઓનાં પવિત્ર ધાર્મિક ગ્રંથ રામાયણની કથા પર આધારિત આ ફિલ્મના સંવાદો, પુરુષ કલાકારોનાં પહેરવેશ અને લૂક અને દિગ્દર્શન સામે લોકોને ભારે રોષ ચડ્યો છે.

ફિલ્મના સંવાદલેખક મનોજ મુંતશીરે સંવાદો સામેના રોષ અને આક્ષેપોની ગઈ કાલે તો અવગણના કરી હતી, પણ આજે એ ઢીલા પડી ગયા છે. એમણે ટ્વિટર પર એક લાંબી પોસ્ટ લખીને શેર કરી છે. એમાં તેમણે જણાવ્યું છે કે ‘આદિપુરુષ’ના નિર્માતાઓએ દર્શકોની લાગણીને ઠેસ પહોંચાડતા વિવાદાસ્પદ સંવાદોને બદલવાનું નક્કી કર્યું છે.

મુંતશીરે ગઈ કાલે પોતે લખેલા સંવાદોનો બચાવ કરતાં સોશિયલ મિડિયા પર એમની જોરદાર રીતે ઝાટકણી કાઢવામાં આવી હતી. કેટલાક લોકોએ એમને ‘સનાતન દ્રોહી’ તરીકે ઓળખાવ્યા હતા.