27 વર્ષની થઈ આલિયા ભટ્ટ; એને SOTY સાથે કારકિર્દીનો આરંભ કરવો નહોતો

મુંબઈઃ ‘રાઝી’, ‘હાઈવે’, ‘ઉડતા પંજાબ’, ‘ગલીબોય’ જેવી ફિલ્મોમાં કરેલી ભૂમિકાઓ બદલ એવોર્ડ જીતનાર આલિયાએ રવિવારે તેની સહેલીઓ અને પરિવારજનોની સાથે કેક કાપીને જન્મદિવસની ઉજવણી કરી હતી. એ પાર્ટીમાં તેની ખાસ સહેલી આકાંક્ષા રંજન કપૂર, માતા સોની રાઝદાન, બહેન શાહિન ભટ્ટે પણ હાજરી આપી હતી.

બર્થડે પાર્ટીમાં એક કરતાં વધારે કેક કાપવામાં આવી હતી. આલિયાની બહેન શાહિને કેક-કટિંગના વિડિયો પોતાનાં ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કર્યા હતા.

આલિયા જાણીતા ફિલ્મ નિર્માતા-દિગ્દર્શક મહેશ ભટ્ટ અને અભિનેત્રી સોની રાઝદાનની પુત્રી છે.

1993ની 15 માર્ચે મુંબઈમાં જન્મેલી આલિયાએ પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત 2012માં ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’ ફિલ્મથી કરી હતી. એ પહેલી જ ફિલ્મથી તે છવાઈ ગઈ હતી. એ પછી એણે ઘણી ફિલ્મોમાં કામ કર્યું અને લગભગ બધી જ ફિલ્મોમાં એની એક્ટિંગની પ્રશંસા થઈ છે, દર્શકોએ એનો અભિનય વખાણ્યો છે. જેમ કે, ‘હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા’, ‘બદ્રીનાથ કી દુલ્હનિયા’.

ઘણાયને કદાચ ખબર નહીં હોય, પણ 1999માં, ‘સંઘર્ષ’ ફિલ્મમાં અભિનેત્રી પ્રીતિ ઝીન્ટાનાં બાળપણનું પાત્ર આલિયાએ ભજવ્યું હતું. આમ, કેમેરા સમક્ષ અને રૂપેરી પડદા પર એ સૌથી પહેલાં એક બાળ કલાકાર તરીકે ઉપસ્થિત થઈ હતી, પણ રોમેન્ટિક ફિલ્મ ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’માં એણે પોતાને એક અભિનેત્રી તરીકે સાબિત કરી હતી.

આલિયાને ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’ ફિલ્મ સાથે પોતાની કારકિર્દી શરૂ કરવી નહોતી. એને તો એનાં પિતા મહેશ ભટ્ટ નિર્મિત ‘દિલ હૈ કી માનતા નહીં’ અને ‘હમ હૈ રાહી પ્યાર કે’ જેવી ફિલ્મ સાથે જ બોલીવૂડમાં અભિનેત્રી તરીકે એન્ટ્રી કરવી હતી. પરંતુ ત્યારે એની ઉંમર બહુ નાની હતી. એટલે એને પોતાનું સપનું પડતું મૂકી દેવું પડ્યું હતું અને કરણ જોહરની ‘SOTY’માં કામ કરીને ફિલ્મલાઈનમાં ઝંપલાવવું પડ્યું હતું.

આલિયા છેલ્લે ‘કલંક’ ફિલ્મમાં જોવા મળી હતી, જેમાં એ વરુણ ધવન, માધુરી દીક્ષિત, સંજય દત્ત, આદિત્ય રોય કપૂરની સાથે ચમકી હતી.

આલિયાની આવનારી ફિલ્મો છે – ‘તખ્ત’, ‘સડક 2’, ‘ગંગુબાઈ કાઠિયાવાડી’, ‘બ્રહ્માસ્ત્ર’.

સંજય લીલા ભણસાલી નિર્મિત ‘ગંગૂબાઈ કાઠિયાવાડી’ ફિલ્મ 2020ની 11 સપ્ટેંબરે રિલીઝ કરવાનું નિર્ધારિત છે. આ ફિલ્મ હુસૈન જૈદીની નવલકથા ‘માફિયા ક્વીન્સ ઓફ મુંબઈ’ પર આધારિત છે.

આલિયા ‘બાહુબલી’ના દિગ્દર્શક રાજામૌલીની નવી ફિલ્મ ‘આરઆરઆર’માં પણ કામ કરી રહી છે. આ ફિલ્મ આ વર્ષની 30 જુલાઈએ રિલીઝ થવાની છે. એમાં આલિયાનો હિરો છે રામ ચરણ.

આલિયા તેનાં પિતા મહેશ ભટ્ટના જ દિગ્દર્શનમાં બની રહેલી ‘સડક 2’માં પણ કામ કરી રહી છે. આ ફિલ્મ આ વર્ષની 10 જુલાઈએ રિલીઝ થવાનું નિર્ધારિત છે. આ ફિલ્મમાં આલિયા તેની મોટી બહેન પૂજા સાથે પડદા પર જોવા મળશે. ‘સડક’ ફિલ્મમાં પૂજા અભિનેત્રી હતી.

આલિયા – ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’માં

‘હાઈવે’ ફિલ્મમાં

‘ઉડતા પંજાબ’માં

‘રાઝી’માં

‘કલંક’માં

‘બદ્રીનાથ કી દુલ્હનિયા’માં વરુણ ધવન સાથે