કોરોના ઈફેક્ટ: ફિલ્મ ઈન્ડસ્ટ્રીને કરોડોના નુકસાનનો ડર

નવી દિલ્હી: કોરોના વાઈરસની ભારતીય બજાર પર અસર જોવા મળી રહી છે. હવે બોલીવુડ અને ફિલ્મ ઈન્ડસ્ટ્રી પણ આમાંથી બાકાત નથી રહી. કોરોના વાઈરસથી બચવા રાજ્યસરકારોએ સિનેમાઘરોને બે અઠવાડિયા સુધી બંધ રાખવાની જાહેરાત કરી છે. જેને પગલે અત્યાર સુધીમાં 3500થી વધુ સ્ક્રીન બંધ કરી દેવામાં આવી છે. હિન્દી ફિલ્મો માટે મુખ્ય કેન્દ્ર માનવામાં આવતા મુંબઈ, દિલ્હી, રાજસ્થાન, ગુજરાત, પંજાબ અને બિહારમાં સિનેમાઘર બંધ છે. તો બીજી તરફ આગામી દિવસોમાં રિલીઝ થનારી ફિલ્મોને તારીખ પાછી ખેંચી લેવામાં આવી છે, આ ઉપરાંત ટીવી શોના શૂટિંગ પણ બંધ કરી દેવામાં આવ્યા છે.

કોરોના વાઈરસને કારણે સ્થિતિ ઝડપથી કાબૂમાં નહીં આવે તો હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને 500થી 800 કરોડનું નુકસાન થવાનો અંદાજ છે. ફિલ્મ નિર્માતા ઉપરાંત નિચલા સ્તર પર કામ કરી રહેલા સિનેમાઘરના માલિકોને પણ મોટું નુકસાન થઈ રહ્યું છે. ફિલ્મ ક્રિટિક અને મલ્ટીપ્લેક્સના માલિક રાજ બંસલના જણાવ્યા અનુસાર, જો સમગ્ર ભારતના સિનેમાઘર બંધ રહેશે તો થિયેટર્સના માલિકોને એક સપ્તાહમાં અંદાજે 40થી 50 કરોડનું નુકસાન થશે. જો કે, આ બંધ કયા સુધી રહે છે તેના પર નુકસાનીનો આંકડો વધ ઘટ થઈ શકે છે. જો એક મહિનો સળંગ બંધ રહેશે તો 500 કરોડથી વધુનું નુકસાન થવાનો અંદાજ છે.

કોરોના વાઈરસને કારણે સૌથી વધુ નુકસાન માલિક અને નિર્માતાને થઈ રહ્યું છે. આગામી બંધને લઈને  ઈન્ડિયન મોશન પિક્ચર્સ પ્રોડ્યુસર્સ એસોસિએશન 26 માર્ચે સરકાર સાથે રિવ્યૂ મીટિંગ કરશે ત્યારપછી આગળની રણનીતિ પર કામ કરવામાં આવશે.