‘એક્શન-ક્વીન’: કંગનાની એક્ટિંગ જોઈને રામગોપાલ, સલમાન પ્રભાવિત

મુંબઈઃ કંગના રણોતને ચોંકાવનારી, એક્શન-પેક્ડ ભૂમિકામાં રજૂ કરતી હિન્દી ફિલ્મ ‘ધાકડ’નું બીજું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. નામ પ્રમાણે આ ફિલ્મના ટ્રેલરમાં અનેક ધમાકેદાર દમદાર દ્રશ્યો જોવા મળ્યા છે. સામાન્ય રીતે, કોઈ એક્શન-પેક્ડ મૂવી હિરો-કેન્દ્રિત હોય, પરંતુ ‘ધાકડ’ અભિનેત્રી કંગનાને ફોકસમાં રાખીને બનાવવામાં આવી છે. આ ફિલ્મ બોલીવુડમાં એક્શન શૈલીને નવી પરિભાષા આપવાનો પ્રયાસ કરે છે. આંતરરાષ્ટ્રીય ફિલ્મો દ્વારા નક્કી કરાયેલા ઉચ્ચ માપદંડો સાથે તાલમેલ દર્શાવતી ‘ધાકડ’માં કંગના પર દર્શાવવામાં આવેલા ફાઈટિંગ અને સ્ટન્ટ દ્રશ્યો અદભુત છે. એમાં મહિલા ઉર્જાની તાકાત અને ગતિનું જબરદસ્ત મિશ્રણ જોવા મળે છે. ‘ધાકડ’ એક મનોરંજક ફિલ્મ છે, પરંતુ મહિલાપ્રધાન એક્શન ફિલ્મ છે. જેમાં અમુક સુંદર કોરિયોગ્રાફ કરાયેલા એક્શન દ્રશ્યો છે. કંગનાએ આ એક્શન દ્રશ્યોમાં જે રીતે એક્ટિંગ કરી છે એવી કોઈ પણ ભારતીય અભિનેત્રીએ આ પહેલાં કરી નથી.

દીપક મુકુટ અને સોહેલ મક્લઈ નિર્મિત અને રજનીશ ઘઈ દિગ્દર્શિત મેગા એક્શન થ્રિલર ‘ધાકડ’ ફિલ્મ 20 મેએ થિયેટરોમાં રિલીઝ થશે. એમાં કંગના ઉપરાંત અર્જુન રામપાલ, દિવ્યા દત્તા, સાશ્વત ચેટરજી, શારીબ હાશ્મી જેવા અન્ય કલાકારો પણ છે.

દરમિયાન, જાણીતા દિગ્દર્શક રામગોપાલ વર્માએ ધાકડનું ટ્રેલર જોઈને કંગનાને ટાઈગર શ્રોફ અને ઋતિક રોશન સાથે સરખાવી છે. એમણે ટ્વીટ મારફત પોતાના પ્રત્યાઘાતમાં જણાવ્યું છે કે, ‘કંગના તો ટાઈગર શ્રોફ વત્તા ઋતિક રોશન ગુણ્યા 10 જેવી દેખાય છે.’

સલમાન ખાને ટ્રેલર જોઈને ટ્વીટમાં લખ્યું છે કે, ‘ટીમ ધાકડને ઘણી બધી શુભેચ્છા.’ કંગનાએ ઈન્સ્ટા સ્ટોરી પર પોસ્ટ શેર કરીને સલમાનનો આભાર માન્યો છે અને લખ્યું છે, ‘થેંક્યૂ મારા દબંગ હિરો, જેનું દિલ સોના જેવું છે. હું હવે ક્યારેય એમ નહીં કહું કે આ ઈન્ડસ્ટ્રીમાં હું એકલી છું. ધાકડ ટીમ તરફથી તારો આભાર.’

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]