આમિર ખાનના કર્મચારીઓને કોરોના થયો; પોતાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો

મુંબઈઃ બોલીવૂડ સુપરસ્ટાર આમિર ખાનના સ્ટાફના કેટલાક સભ્યોનો કોવિડ-19નો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. જોકે  આમિર ખાનનો કોરોના ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.

આ જાણકારી 55-વર્ષીય આમિરે જ આજે આપી છે. જોકે આમિર તેની માતાના ટેસ્ટના રિપોર્ટની રાહ જોઈ રહ્યો છે.

આમિરે એક નિવેદનમાં જણાવ્યું છે કે, ‘આ સાથે જાણ કરવાની કે મારા સ્ટાફના અમુક સભ્યોનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. એમને તરત જ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. મુંબઈ મહાનગરપાલિકા (BMC)ના અધિકારીઓ આ કર્મચારીઓને તરત જ મેડિકલ સેન્ટરમાં લઈ ગયા હતા. મારા કર્મચારીઓની આટલી સારી રીતે કાળજી લેવા બદલ અને આખી સોસાયટીને સ્ટરિલાઈઝ કરવા બદલ હું BMCનો આભાર માનું છું.’

આમિરે વધુમાં કહ્યું છે કે, ‘અમારા બાકીના લોકોના પણ ટેસ્ટ કરવામાં આવ્યા હતા અને એ નેગેટિવ આવ્યા છે. હાલ હું મારા માતાનાં ટેસ્ટ રિપોર્ટની રાહ જોઈ રહ્યો છું. કૃપા કરીને પ્રાર્થના કરો કે એમનો રિપોર્ટ નેગેટિવ આવે.’

‘દંગલ’ ફિલ્મના અભિનેતા આમિરે ટેસ્ટિંગની પ્રક્રિયા દરમિયાન એના પરિવાર તથા સ્ટાફની કાળજી લેવા બદલ કોકિલાબેન અંબાણી હોસ્પિટલના ડોક્ટરો તથા નર્સોનો આભાર માન્યો છે.

આમિર ખાનની નવી ફિલ્મ આવી રહી છે ‘લાલ સિંહ ચઢ્ઢા’, જે 1994માં આવેલી હોલીવૂડ ફિલ્મ ‘ફોરેસ્ટ ગમ્પ’ની સત્તાવાર હિન્દી રીમેક છે. આ ફિલ્મમાં એની હીરોઈન છે કરીના કપૂર. ફિલ્મના દિગ્દર્શક છે અદ્વૈત ચંદન.