પરિણીતી ચોપડા, રાઘવ ચઢ્ઢાનાં લગ્નમાં 100 સુરક્ષા ગાર્ડ તહેનાત

નવી દિલ્હીઃ બોલીવૂડ એક્ટ્રેસ પરિણીતી ચોપડા અને રાજકારણી રાઘવ ચઢ્ઢાના વેડિંગ વેન્યુ હોટેલ લીલા પેલેસ પર બહુ ટાઇટ સિક્યોરિટી થવાની છે. આ બંનેનાં શાહી લગ્નમાં 100 સિક્યોરિટી ગાર્ડ અને ફોન પર બ્લુ ટેપના નિયમની સાથે આકરી સુરક્ષા વ્યવસ્થા હશે.

આ બંનેનાં પંજાબી લગ્નમાં હોટેલ લીલા પેલેસમાં ભવ્ય સમારંભ યોજવામાં આવશે. ઉત્સવ સ્થળ પર પિચોલા સરોવરમાં ચારથી પાંચ બોટો પર સુરક્ષા ગાર્ડ તહેનાત હશે. ઘાટ પર પણ વિશેષ સુરક્ષા ગાર્ડ તહેનાત કરવામાં આવશે. બધા મહેમાન ધીમે-ધીમે ઉદયપુર પહોંચી રહ્યા છે.

આ લગ્નમાં પ્રાઇવસી જાળવી રાખવામાં આવશે, જેથી હોટેલ આખી સિક્યોરિટી સિસ્ટમને ફેરવી કાઢવામાં આવશે. જો કર્મચારી વગર કોઈ પણ વ્યક્તિ હોટેલમાં આવશે તો તેની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે. પોલીસે પણ 15 જગ્યાએ સિક્યોરિટી કારણોસર બંદોબસ્ત રાખ્યો છે. સિક્યોરિટી પર સંપૂર્ણ દેખરેખ રાખવામાં આવશે. પરિણીતી અને અન્ય મહેમાનોની એરપોર્ટથી હોટેલ સુધીની સિક્યોરિટી વ્યવસ્થા કરવામાં આવી છે. પોલીસે, વધારાની ફોર્સ અને ખાનગી ગાર્ડ એરપોર્ટ પર ગોઠવી દેવામાં આવશે.

રાઘવ અને પરિણીતીનાં શાહી લગ્નમાં મહેમાનો માટે નો-ફોન પ્રતિબંધ થશે. આ લગ્ન પ્રસંગમાં સીમિત લોકોને આમંત્રિત કરવામાં આવ્યા છે, જેમાં વરવધૂના પરિવાર અને નજીકના મિત્રો સામેલ થશે. આ લગ્નના ફોટો અને વિડિયો ક્લિક અને રેકોર્ડ થવાથી અટકાવવા માટે મોબાઇલ કેમેરા પર બ્લુ ટેપ ચિપકાવવામાં આવશે. આ બંને જણની સગાઈ મેમાં થઈ હતી, ત્યારે ભારે સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી, છતાં સગાઈના ફોટો અને વિડિયો સોશિયલ મિડિયા પર વાઇરલ થયા હતા.