નવી દિલ્હીઃ અમેરિકા હાલમાં એક અત્યંત ખતરનાક વિન્ટર સ્ટોર્મ (Winter Storm)ની ચપેટમાં છે, જેને કારણે દેશમાં ભયનો માહોલ છે. ભારે હિમવર્ષા, વરસાદ અને જાનલેવા ઠંડીને કારણે સ્થિતિ સતત બગડતી જઈ રહી છે. આ ભીષણ તોફાનને કારણે 6000થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે અને લાખો લોકોની મુસાફરીની યોજનાઓ સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે.
17 રાજ્યોમાં ઇમર્જન્સી જાહેર
અમેરિકાના ઓછામાં ઓછાં 17 રાજ્યોમાં ઇમરજન્સી જાહેર કરવામાં આવી છે. આ રાજ્યોમાં અલબામા, આર્કાન્સા, જ્યોર્જિયા, કાન્સાસ, કેન્ટુકી, લુસિયાના, મેરીલેન્ડ, મિસિસિપી, મિસૌરી, ન્યુ જર્સી, ન્યુ યોર્ક, નોર્થ કેરોલિના, પેન્સિલવેનિયા, સાથધ કેરોલિના, ટેનન્સેસિયા, ટેક્સાસ, વર્જિનિયા અને વોશિંગ્ટન ડીસીનો સમાવેશ થાય છે. સ્થિતિ એટલી ગંભીર છે કે પ્રશાસને લોકોને ઘરમાં જ રહેવાની ચેતવણી આપી છે.
વિનાશ મચાવી શકે છે તોફાન
આ ખતરનાક તોફાન લગભગ 1500 માઇલ સુધી ફેલાઈ શકે છે, જ્યારે કેટલાક અહેવાલ મુજબ તે 2000 માઇલથી વધુ વિસ્તારને પોતાની ચપેટમાં લઈ શકે છે. ટેક્સાસથી લઈને ન્યુ ઇંગ્લેન્ડ સુધી બરફ અને બરફીલા પવનનો કહેર જોવા મળી શકે છે. આવનારા અઠવાડિયામાં અમેરિકાની અડધીથી વધુ વસ્તીને શૂન્યથી નીચેના તાપમાનનો સામનો કરવો પડી શકે છે.
વોશિંગ્ટન ડીસીમાં સ્નો ઇમરજન્સી (Snow Emergency) લાગુ કરવામાં આવી છે. પ્રશાસને લોકોને સ્નો ઇમરજન્સી રૂટ પરથી વાહનો હટાવવાનો આદેશ આપ્યો છે. અંદાજ મુજબ અહીં ઓછામાં ઓછો નવ ઇંચ બરફ પડી શકે છે અને ત્યાર બાદ ફ્રીઝિંગ રેન સ્થિતિને વધુ જોખમી બનાવી શકે છે.
6000થી વધુ ફ્લાઇટ્સ રદ
હવાઈ મુસાફરી સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ છે. શનિવારે 2836થી વધુ ફ્લાઇટ્સ રદ થઈ હતી, જ્યારે રવિવારે અત્યાર સુધીમાં 3587 ઉડાનો રદ થઈ ચૂકી છે. આ રવિવાર ગયા એક વર્ષમાં અમેરિકાનો સૌથી ખરાબ દિવસ બની ગયો છે. રાજ્ય અને સ્થાનિક પ્રશાસને વીજ પુરવઠો બંધ થવો, પાણીની પાઇપલાઇનો જામ થવી અને રસ્તાઓ સંપૂર્ણપણે બંધ થવાની ચેતવણી આપી છે. લોકો ડરના કારણે કરિયાણાની દુકાનો બહાર લાંબી લાઈનોમાં જોવા મળ્યા અને ઘણા સ્ટોર્સની શેલ્ફ થોડા જ કલાકોમાં ખાલી થઈ ગઈ.





