મસ્કનો આરોપ, X સાઇબર એટેક પાછળ યુક્રેનનો હાથ, એક દિવસમાં ત્રણ વખત ડાઉન

અમેરિકા: ઈલોન મસ્કનું માઈક્રો બ્લોગિંગ પ્લેટફોર્મ ‘X’ ફરી એકવાર વિશ્વભરમાં ડાઉન થયું હતું. સોમવારે (10મી માર્ચ) તે ત્રણ વખત ઠપ થયું હતું. જેના કારણે યુઝર્સ લોગ ઈન કરી શકતા ન હતા. ઘણાં યૂઝર્સ ડાઉન ડિટેક્ટર વેબસાઇટ પર ફરિયાદો નોંધાવી.

‘X’ પર સાયબર હુમલો યુક્રેનમાંથી થયો!

ઈલોન મસ્કે દાવો કર્યો હતો કે, ‘સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર સાયબર હુમલો યુક્રેનમાંથી થયો હતો. જેનાથી સેવાઓમાં વિક્ષેપ પડ્યો અને સાયબર સુરક્ષા જોખમો અંગે ચિંતાઓ વધી. અમને બરાબર ખબર નથી કે શું થયું, પરંતુ યુક્રેન ક્ષેત્રમાંથી ઉદ્ભવતા IP એડ્રેસ સાથે ‘X’ સિસ્ટમોને નીચે લાવવા માટે એક મોટો સાયબર હુમલો થયો હતો.’અહેવાલો અનુસાર, ‘સોમવારે બપોરે 3:30 વાગ્યે ‘X’ ડાઉન થયું હતું. પછી સાંજે 7 વાગ્યે લોકોને લોગ ઈન કરવામાં સમસ્યાઓનો સામનો કરવો પડ્યો. ત્રીજી વખત, X રાત્રે 8:44 વાગ્યે ફરીથી ડાઉન થયું હતું. વિવિધ સ્થળોએ લોકોને એપ અને સાઈટ પર સમસ્યાઓનો સામનો કરવો પડ્યો. વિશ્વભરના ઘણાં દેશોમાં યુઝર્સ X વિશે ફરિયાદ કરી રહ્યા હતા.’

યુનાઇટેડ કિંગડમ, ઓસ્ટ્રેલિયા, કેનેડા અને ભારત સહિત ઘણા દેશોમાં લોકોએ અન્ય સોશિયલ મીડિયા સાઇટ્સ પર આ અંગે ફરિયાદ કરી. વૈશ્વિક સ્તરે 40,000થી વધુ યુઝર્સે સેવામાં વિક્ષેપની ફરિયાદ કરી છે. 56 ટકા યુઝર્સ એપ્લિકેશનમાં જ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે, જ્યારે 33 ટકા યુઝર્સ વેબસાઇટમાં સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. બીજા 11 ટકા યુઝર્સ સર્વર કનેક્શનમાં સમસ્યાની જાણ કરી.