અમેરિકા: ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કી વચ્ચે બોલાચાલીનો મામલો હજુ શાંત થયો નથી ત્યાં હવે વ્હાઇટ હાઉસમાંથી બીજી એક બોલાચાલીના સમાચારે ચર્ચા શરૂ કરી દીધી છે. વ્હાઈટ હાઉસ ખાતે ઉચ્ચ સ્તરીય કેબિનેટ બેઠક દરમિયાન અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો અને ટ્રમ્પના સલાહકાર ઈલોન મસ્ક વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હોવાના સમાચાર સામે આવ્યા છે. આ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પણ ત્યાં હાજર હતા. આ વિવાદ હાલમાં જ સ્ટેટ ડિપાર્ટમેન્ટમાં કરવામાં આવેલા સ્ટાફના ઘટાડાને પગલે થયો હતો.
મીટિંગમાં ઉગ્ર ચર્ચા થઈ
રિપોર્ટ અનુસાર, રાષ્ટ્રપતિ ટ્રમ્પે મસ્કને ફેડરલ નોકરશાહીમાં મોટા પાયે કાપ મૂકવાની જવાબદારી સોંપી હતી. મીટિંગ દરમિયાન, મસ્કે રુબિયો પર આરોપ લગાવ્યો કે તેમણે હજુ સુધી “કોઈને કાઢી મૂક્યા નથી” અને સ્ટાફમાં નોંધપાત્ર ઘટાડો કરવાના તેમના પ્રયાસોનો વિરોધ કર્યો છે.
જેના પર જવાબ આપતાં રુબિયોએ કહ્યું કે, રાજ્ય વિભાગના 1,500 કર્મચારીઓએ વહેલા નિવૃત્તિ પેકેજ હેઠળ રાજીનામું આપ્યું છે. તેમણે કટાક્ષમાં પૂછ્યું, ‘શું મસ્ક ઇચ્છે છે કે હું તે બધાને ફરીથી નોકરી પર રાખું, જેથી તેમને ફરીથી ઔપચારિક રીતે કાઢી શકાય?’
ફરિયાદો બાદ બોલાવવામાં આવી બેઠક
વ્હાઇટ હાઉસના ટોચના અધિકારીઓની ફરિયાદોને પગલે આ બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં સરકારી એજન્સીઓના વડાઓએ મસ્કની સ્ટાફ કાપ અભિયાનની પદ્ધતિઓ પર નારાજગી વ્યક્ત કરી હતી. વ્હાઇટ હાઉસ ઓફિસ ઓફ લેજિસ્લેટિવ અફેર્સને તાજેતરના દિવસોમાં ઘણા ગુસ્સે ભરાયેલા રિપબ્લિકન ધારાસભ્યો તરફથી ફરિયાદો મળી છે જેઓ તેમના મતવિસ્તારમાં મતદારોના ગુસ્સાનો સામનો કરી રહ્યા છે.ટ્રમ્પે રિપોર્ટને ફગાવી દીધો
રાષ્ટ્રપતિ ટ્રમ્પે શુક્રવારે ઓવલ ઓફિસમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ન્યૂયોર્ક ટાઇમ્સના અહેવાલને ફગાવી દીધો. જ્યારે એક પત્રકારે તેમને આ વિશે પૂછ્યું, ત્યારે તેમણે કહ્યું, ‘કોઈ ઝઘડો નહોતો, હું ત્યાં હાજર હતો.’ તમે ફક્ત બિનજરૂરી રીતે મુદ્દો ઉભા કરી રહ્યા છો. એલોન અને માર્કો વચ્ચે બધું બરાબર છે અને બંને ખૂબ સારું કરી રહ્યા છે. ટ્રમ્પે વધુમાં કહ્યું, ‘માર્કોએ વિદેશ સચિવ તરીકે અવિશ્વસનીય કામ કર્યું છે, અને એલોન એક અનોખા વ્યક્તિ છે જેમણે શાનદાર કામ કર્યું છે.’
