અમેરિકા: બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સ મુજબ, સ્પેસએક્સના ફાઉન્ડર અને ટેસ્લાના CEO ઇલોન મસ્ક 400 બિલિયન ડોલરની નેટવર્થ સુધી પહોંચ્યા છે. આમ કરનારા તેઓ ઇતિહાસમાં પ્રથમ વ્યક્તિ બન્યા છે. SpaceXમાં હાલના ઈન્ટર્નલ શેરના વેચાણ અને ટેસ્લાના શેરમાં આવેલી તેજીને કારણે મસ્કની નેટવર્થમાં વધારો થયો છે. શેર વેચાણમાં કર્મચારીઓ અને અંદરના લોકો પાસેથી $1.25 બિલિયનના મૂલ્યના શેર ખરીદવાનો સમાવેશ થાય છે. આ ટ્રાન્ઝેક્શનથી તેમની નેટવર્થમાં આશરે 50 બિલિયન ડોલરનો વધારો થયો છે તેમજ SpaceXની ટોટલ વેલ્યુએશન અંદાજે 350 અબજ ડોલર થઈ ગઈ. આ વેલ્યુએશન વિશ્વની સૌથી વેલ્યુએશન પ્રાઈવેટ કંપની તરીકે SpaceXની સ્થિતિને મજબૂત બનાવે છે.
એલોન મસ્કની સંપત્તિ SpaceX અને ટેસ્લા સુધી મર્યાદિત નથી. તેમની આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ કંપની xAIના વેલ્યુએશનમાં વધારો થયો છે. કંપનીનું વેલ્યુએશન મે મહિનામાં એના છેલ્લા ફંડિંગ રાઉન્ડથી બમણું વધીને $50 બિલિયન થયું છે.છેલ્લા એક મહિનામાં ટેસ્લાના શેરમાં લગભગ 30%નો વધારો થયો છે. છેલ્લા 6 મહિનામાં આ સ્ટોકે 140% રિટર્ન આપ્યું છે. રિપબ્લિકન ઉમેદવાર અને પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની યુએસ ચૂંટણીમાં જીત બાદ ઇલોન મસ્કની નેટવર્થમાં નોંધપાત્ર વધારો થયો છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર, ચૂંટણીનાં પરિણામો પછી તરત જ મસ્કની નેટવર્થ 26.5 બિલિયન ડોલર વધીને 290 બિલિયન ડોલર થઈ ગઈ હતી.