નવી દિલ્હીઃ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારે પત્રકાર પરિષદમાં બિહાર વિધાનસભા ચૂંટણીની તારીખોનું એલાન કર્યું હતું. બિહારમાં બે તબક્કામાં ચૂંટણી થશે, જેમાં પહેલા તબક્કાનું  121 બેઠકો પર મતદાન  છ નવેમ્બરે અને બીજા તબક્કામાં 122 સીટો પર 11 નવેમ્બરે યોજાશે. આ સાથે મત ગણતરી 14 નવેમ્બર કરવામાં આવશે. વિધાનસભાનો કાર્યકાળ 22 નવેમ્બેરે પૂરો થાય છે.
મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે જણાવ્યું હતું કે મતદાર યાદીનું શુદ્ધીકરણ કરી દેવામાં આવ્યું છે. તેમણે કહ્યું હતું કે ઉમેદવારીના 10 દિવસ પહેલા સુધીમાં રહી ગયેલાં નામો ઉમેરવામાં આવી શકશે. બિહારમાં 14 લાખ નવા મતદારો જોડાયા છે. છેલ્લા કેટલાક દિવસોમાં ચૂંટણી પંચે તમામ રાજકીય પક્ષો, અધિકારીઓ અને પોલીસ દળ સાથે બેઠક યોજી છે.
#BreakingNews | Bihar assembly elections to be held in two phases – 6th and 11th November; Counting of votes on 14th November, says Gyanesh Kumar, Chief Election Commissioner #BiharElections2025 pic.twitter.com/UvY0c4spDO
— DD News (@DDNewslive) October 6, 2025
મુખ્ય ચૂંટણી પંચ જ્ઞાનેશકુમારે કહ્યું હતું કે બિહારમાં કુલ 243 વિધાનસભા ક્ષેત્રો છે, જેમાંથી 38 અનુસૂચિત જાતિ અને 2 અનુસૂચિત જનજાતિ માટે આરક્ષિત છે. મતદાતાઓની કુલ સંખ્યા અંદાજે 7.42 કરોડ છે, જેમાં 3.92 કરોડ પુરુષો અને 3.5 કરોડ મહિલાઓનો સમાવેશ થાય છે. અંદાજે ચાર લાખ વરિષ્ઠ નાગરિકો અને લગભગ 14,000 મતદાતાઓ એવા છે, જેઓ 100 વર્ષ કે તેથી વધુ ઉંમરના છે.
મહાગઠબંધન અને NDA બંનેમાં હજી સુધી બેઠક વહેંચણી નક્કી થઈ નથી. NDA ગઠબંધનમાં ભાજપ, જેડીયુ ઉપરાંત ચિરાગ પાસવાનની લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ), કેન્દ્રીય પ્રધાન જીતનરામ માંઝીની હિંદુસ્તાન આવામ મોર્ચા અને ઉપેન્દ્ર કુશવાહાની રાષ્ટ્રીય લોક મોર્ચા સામેલ છે. જ્યારે મહાગઠબંધનમાં RJD અને કોંગ્રેસ ઉપરાંત મુકેશ સહનીની વિકાસશીલ ઇન્સાન પાર્ટી, ડાબેરી પક્ષો અને પશુપતિ પારસની લોક જનશક્તિ પાર્ટી સામેલ છે.
2020ની બિહાર વિધાનસભા ચૂંટણીમાં NDA ગઠબંધનને જીત મળી હતી. NDAએ 243 સભ્યોની વિધાનસભામાં 125 બેઠકો જીતી હતી, જ્યારે મહાગઠબંધને 110 બેઠકો જીતી હતી. 2020ની ચૂંટણીમાં RJDને 75 બેઠકો મળી હતી જ્યારે ભાજપને 74 બેઠકો મળી હતી. બીજી તરફ, નીતીશકુમારની JDUને 43, કોંગ્રેસને 19, CPI(ML)ને 12 અને અસદુદ્દીન ઓવૈસીની AIMIMને 5 બેઠકો મળી હતી. ઓછી બેઠકો મળવા છતાં NDAએ નીતીશકુમારને મુખ્ય પ્રધાન બનાવ્યા હતા.
        
            

