ECI એ રાહુલ ગાંધીના ‘મહારાષ્ટ્ર ચૂંટણી ફિક્સિંગ’ના આરોપોને વાહિયાત ગણાવ્યા

નવી દિલ્હી: લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મેચ ફિક્સિંગનો દાવો કર્યો હતો. જેને લઈને ચૂંટણી પંચે 7 જૂનના રોજ જવાબ આપ્યો. ચૂંટણી પંચનું કહેવું છે કે, ‘મહારાષ્ટ્રની મતદાર યાદી પર લગાવવામાં આવેલા આરોપ પાયાવિહોણા છે.’ નોંધનીય છે કે, રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરીને લખ્યું હતું કે, ‘ચૂંટણીમાં કેવી રીતે ચોરી કરવી? વર્ષ 2024માં મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી લોકશાહીમાં ગોટાળા કરવાની બ્લુપ્રિન્ટ હતી.’

ચૂંટણી પંચે તથ્યો રજૂ કર્યા

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના દાવા અંગે ચૂંટણી પંચે કહ્યું, ‘ચૂંટણી પંચે 24મી ડિસેમ્બર 2024ના રોજ કોંગ્રેસને આપેલા જવાબમાં આ તમામ તથ્યો રજૂ કર્યા હતા, જે ચૂંટણી પંચની વેબસાઈટ પર ઉપલબ્ધ છે. એવું લાગે છે કે વારંવાર આવા મુદ્દાઓ ઉઠાવીને આ તમામ તથ્યોને સંપૂર્ણપણે અવગણવામાં આવી રહ્યા છે.’

‘ચૂંટણી પંચને બદનામ કરવાનો પ્રયાસ’

ચૂંટણી પંચે વધુમાં કહ્યું કે, ‘કોઈ પણ વ્યક્તિ દ્વારા ફેલાવવામાં આવતી ખોટી માહિતી માત્ર કાયદાના અનાદરની નિશાની નથી, પરંતુ તે પોતાના રાજકીય પક્ષ દ્વારા નિયુક્ત કરાયેલા હજારો પ્રતિનિધિઓને પણ બદનામ કરે છે. ચૂંટણી સાથે જ દરમિયાન અથાક અને પારદર્શક રીતે કામ કરતા લાખો ચૂંટણી કર્મચારીઓનું મનોબળ પણ નીચું કરે છે. મતદારોના કોઈ પણ પ્રતિકૂળ નિર્ણય પછી, તે કરવામાં આવશે એમ કહીને ચૂંટણી પંચને બદનામ કરવાનો પ્રયાસ કરવો એ સંપૂર્ણપણે નકામી છે.’

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પર ઉઠાવ્યા સવાલો

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ મહારાષ્ટ વિધાનસભા ચૂંટણી પર ભાજપ પર નિશાન સાધ્યું અને કહ્યું કે, ‘મહારાષ્ટ્રમાં ભાજપ એટલી હતાશ કેમ હતી તે સમજવુ મુશ્કેલ નથી. પરંતુ ચૂંટણીમાં ગોટાળા મેચ ફિક્સિંગ જેવું છે, જે પક્ષ છેતરપિંડી કરે છે તે મેચ જીતી શકે છે. પરંતુ આનાથી લોકશાહી સંસ્થાઓ નબળી પડે છે અને જનતા પરિણામોમાંથી વિશ્વાસ ગુમાવે છે.’