એક્ટર પૃથ્વીરાજ સુકુમારન, દુલકર સલમાનને ત્યાં EDના દરોડા

નવી દિલ્હીઃ EDએ FEMA, 1999 હેઠળ કેરળ અને તામિલનાડુનાં 17 સ્થળોએ દરોડા પાડ્યા છે. આ કાર્યવાહી મોંઘી લક્ઝરી કારોની તસ્કરી અને ગેરકાયદે વિદેશી મુદ્રા વ્યવહારોની ચાલી રહેલી તપાસના સંદર્ભમાં કરવામાં આવી છે. EDએ જેમનાં 17 સ્થળોએ શોધ અભિયાન ચલાવ્યું છે, તેમાં મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના કેટલાક જાણીતા કલાકારોનાં નિવાસસ્થાનો અને ઓફિસો પણ સામેલ છે. જેમનાં સ્થળોએ EDની ટીમ પહોંચી, તેમાં અભિનેતા પૃથ્વીરાજ સુકુમારન, દુલકર સલમાન અને અમિત ચાકલકલનાં નામો સામેલ છે.

ગેરકાયદે ઈમ્પોર્ટ અને નકલી દસ્તાવેજોનો ઉપયોગ

EDની તપાસ એવી એક સિન્ડિકેટ પર આધારિત છે, જે લેન્ડ ક્રૂઝર, ડિફેન્ડર અને મસેરાટી જેવી હાઇ-એન્ડ લક્ઝરી કારોના ગેરકાયદે ઈમ્પોર્ટ અને રજિસ્ટ્રેશનમાં સંકળાયેલી હતી. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ વાહનોને ઇન્ડો-ભૂટાન અને નેપાળ રૂટ મારફતે ભારત લાવવામાં આવતાં હતાં.

કોઇમ્બતુર સ્થિત આ નેટવર્ક નકલી દસ્તાવેજોનો ઉપયોગ કરતું હતું, જેમાં ભારતીય સેનાની, અમેરિકન દૂતાવાસની અને વિદેશ મંત્રાલયની સત્તાવાર ઓળખનો દાવો કરવામાં આવતો હતો. આ દસ્તાવેજોનો ઉપયોગ કરીને અરુણાચલ પ્રદેશ, હિમાચલ પ્રદેશ અને અન્ય રાજ્યોના RTOઓમાં છેતરપિંડીપૂર્વક રજિસ્ટ્રેશન કરવામાં આવતું હતું. ત્યાર  બાદ તસ્કરીથી લાવવામાં આવેલી આ મોંઘી કારોને ફિલ્મજગતના કલાકારો અને ઉચ્ચ નેટવર્થ ધરાવતી વ્યક્તિઓને ઓછી કિંમતે વેચી દેવામાં આવતી હતી.

FEMAના નિયમોના ઉલ્લંઘન બાદ તપાસ શરૂ

EDએ આ કાર્યવાહી તેથી શરૂ કરી હતી, કારણ કે પ્રાથમિક તપાસમાં FEMAની કલમ 3, 4 અને 8ના ઉલ્લંઘનના પુરાવા મળ્યા છે. તેમાં ગેરકાયદે વિદેશી મુદ્રા વ્યવહાર અને હવાલા ચેનલ મારફતે સીમા પાર ચુકવણીના કેસોનો સમાવેશ થાય છે. એજન્સી હવે મની ટ્રેલ, હવાલા નેટવર્ક અને વિદેશી મુદ્રાની અવરજવરનો પત્તો લગાવવા માટે વધુ તપાસ કરી રહી છે.