નવી દિલ્હીઃ થોડા દિવસ પહેલાં EDએ અનિલ અંબાણીનાં સંબંધિત સ્થળો પર રેડ પાડી હતી. હવે અનિલ અંબાણીની મુશ્કેલીઓ વધુ વધી ગઈ છે, કારણ કે EDએ તેમની વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જારી કરી છે. EDએ તેમને રૂ. 3000 કરોડના બેંક લોન કૌભાંડના કેસમાં પૃચ્છા માટે બોલાવ્યા છે. ED પાંચ ઓગસ્ટે તેમની પૂછપરછ કરી શકે છે. લુકઆઉટ નોટિસને કારણે અનિલ અંબાણી હવે કોર્ટની પરવાનગી વિના દેશ છોડીને જઈ શકશે નહીં.
ED દ્વારા અનિલ અંબાણીની વિવિધ કંપનીઓ પર સતત રેડ કરવામાં આવી છે અને તેમની સામે છેતરપિંડીના આરોપો છે. EDની પ્રારંભિક તપાસમાં ખૂલ્યું છે કે અનિલ અંબાણીની કંપનીઓએ એક યોજના હેઠળ સરકારી પૈસાનો દુરુપયોગ કર્યો હતો અને બેંકોને છેતરપિંડીથી લોન લીધી હતી.
આ આરોપ છે કે વર્ષ 2017થી 2019 વચ્ચે યસ બેંક પાસેથી મળેલા આશરે રૂ. 3000 કરોડના લોનનો ઉપયોગ ખોટી રીતે અન્ય જગ્યાએ કરવામાં આવ્યો હતો. અધિકારીઓનું કહેવું છે કે લોન મંજૂર થવામાં જેટલું મોડું થયું, તે પહેલાં યસ બેંકના પ્રમોટર્સ સાથે સંકળાયેલ કંપનીઓને નાણાં ટ્રાન્સફર કરવામાં આવ્યાં હતાં.
🚨ED issues lookout notice against Anil Ambani pic.twitter.com/VHeCL8lA6v
— Sharad K Rai (@sharadrai_) August 1, 2025
આથી આશંકા છે કે લોન લેતી કંપનીઓ અને અધિકારીઓ વચ્ચે કોઈ ષડયંત્ર હતું – એટલે કે લાંચ કે કોઈ લાભની લેતીદેતી થઈ હશે. ED હાલમાં અનિલ અંબાણીની કંપનીઓ અને યસ બેંકના પ્રમોટરો વચ્ચેના સંબંધોની તપાસ કરી રહી છે.
તપાસમાં ખૂલ્યું છે કે લોન આપતી વખતે નિયમોનું યોગ્ય રીતે પાલન ન થયું. ઘણા દસ્તાવેજો પાછલી તારીખે બનાવવામાં આવ્યા હતા, યોગ્ય તપાસ વિના રોકાણ કરાયું હતું અને બેંકની લોન નીતિઓનું પણ ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું.
