EDએ ભૂતપૂર્વ CM બઘેલના પુત્ર સામે ચાર્જશીટઃ રૂ. 1000 કરોડના કૌભાંડનો આક્ષેપ

નવી દિલ્હીઃ EDએ સોમવારે છત્તીસગઢમાં થયેલા કરોડોના ‘દારૂ કૌભાંડ’માં નવી ચાર્જશીટ દાખલ કરી છે. આ ચાર્જશીટ રાયપુરની એક અદાલતમાં દાખલ કરવામાં આવી છે, જેમાં કોંગ્રેસ નેતા અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ભૂપેશ બઘેલના પુત્ર ચૈતન્યને આરોપી બનાવવામાં આવ્યો છે. એજન્સીનો દાવો છે કે ચૈતન્યએ આ કૌભાંડમાંથી રૂ. 1000 કરોડથી વધુની ‘ગુનાહિત આવક’નું મેનેજમેન્ટ કર્યું હતું.

ચાર્જશીટમાં લગાવાયા ગંભીર આક્ષેપ

આ કેસમાં ED દ્વારા દાખલ કરાયેલો આ ચોથો આરોપપત્ર છે, જે 7039 પાનાંનું છે. આરોપપત્ર સાથે ડિજિટલ તથા અન્ય પુરાવાઓ પણ જમા કરવામાં આવ્યા છે. ચૈતન્ય બઘેલે કૌભાંડથી પ્રાપ્ત થયેલા રૂ. 1000 કરોડથી વધુની રકમનો ઉપયોગ પોતાના બિઝનેસમાં કર્યો હતો, એમ EDના વકીલ સૌરભ કુમાર પાંડેએ જણાવ્યું હતું EDને તેના દ્વારા કથિત રીતે વપરાયેલા રૂ. 22 કરોડની ‘ગુનાહિત આવક’ના મજબૂત પુરાવા મળ્યા છે. ચૈતન્યને 18 જુલાઈએ તેના ભિલાઈ સ્થિત ઘરેથી ધરપકડ કરવામાં આવી હતી. આ પહેલાં એજન્સીએ દાવો કર્યો હતો કે ચૈતન્યએ રિયલ એસ્ટેટ ફર્મનો ઉપયોગ કરીને રૂ. 16.7 કરોડની રોકડ રકમ પોતાની એક પ્રોજેક્ટમાં લગાવી હતી.

શું છે છત્તીસગઢનું ‘દારૂ કૌભાંડ’?

આક્ષેપ છે કે રૂ. 2100 કરોડથી વધુનું આ કૌભાંડ વર્ષ 2018-2023 દરમિયાન કોંગ્રેસ સરકારના કાર્યકાળમાં થયું હતું. EDનું કહેવું છે કે આ કૌભાંડ 2019થી 2022 વચ્ચે કરવામાં આવ્યું હતું અને કથિત રીતે ઉપજાવાયેલા કમિશનને ‘રાજ્યના ઉચ્ચતમ રાજકીય અધિકારીઓના નિર્દેશ મુજબ’ વહેંચવામાં આવ્યું હતું. આ કેસમાં EDએ પૂર્વ મંત્રી કવાસી લખમા, અનવર ઢેબર અને પૂર્વ IAS અધિકારી અનિલ ટુટેજા સહિત અનેક લોકોને ધરપકડ કરી છે. જોકે ભૂતપૂર્વ CM ભૂપેશ બઘેલે કેન્દ્રની એજન્સીઓ પર વિરોધી નેતાઓને નિશાન બનાવવાનો આક્ષેપ કર્યો છે, પરંતુ ન્યાયપાલિકા પર વિશ્વાસ વ્યક્ત કરીને તપાસમાં સહકાર આપવાની વાત પણ કરી છે.