નવી દિલ્હીઃ નાણાપ્રધાન નિર્મલા સીતારામન બજેટથી પહેલાં સંસદનાં બંને ગૃહોમાં આર્થિક સર્વે રજૂ કરશે. સરકાર દ્વારા રજૂ કરવામાં આવનારા આર્થિક સર્વે 2025-26માં ભારતનો GDP ગ્રોથ સાત ટકાથી ઓછો રહેવાનો અંદાજ છે. વૈશ્વિક આર્થિક પરિસ્થિતિઓ અને બહારના પડકારોને કારણે આગામી નાણાકીય વર્ષમાં આર્થિક વિકાસ ધીમો પડવાની સંભાવના છે.
નિષ્ણાતોના જણાવ્યાનુસાર GDP ગ્રોથમાં સંભવિત ઘટાડાનિં એક મુખ્ય કરાણ આંતરરાષ્ટ્રીય આર્થિક પડકારો હોવાની શક્યતા છે. આ સિવાય આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ના વધતા પ્રસારને કારણે નોકરીઓ પર અસર પડવાની પણ આશંકા છે. જેનાથી ભારતના શ્રમ બજારની નવી વ્યૂહરચના પર અસર પડવાની શક્યતા છે.
આર્થિક સર્વેમાં ભારતની નિકાસમાં ઘટાડાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે, જેનાથી GDP ગ્રોથ પર દબાણ આવી શકે છે. આ સાથે મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં ચીનમાં વધુ નિર્ભરતાને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવે એવી શક્યતા છે. સરકાર આ દિશામાં આત્મનિર્ભર ભારત પહેલને વધુ મજબૂત કરવા પર ભાર આપી શકે છે.
આર્થિક બાબતોના વિભાગ હેઠળ કાર્યરત આર્થિક વિભાગ દર વર્ષે દેશની આર્થિક સમીક્ષા તૈયાર કરે છે. આ સમગ્ર પ્રક્રિયાના વડા દેશના મુખ્ય આર્થિક સલાહકાર છે. નાણાં મંત્રી સવારે સંસદમાં તેને રજૂ કરે છે અને સંસદમાં રજૂ થઈ ગયા બાદ કેટલાક સમય બાદ મુખ્ય આર્થિક સલાહકાર પ્રેસ સમક્ષ તેની સામગ્રી રજૂ કરે છે. મોટા ભાગે આર્થિક સર્વે રજૂ કર્યાના દિવસની સાંજે યોજવામાં આવતી હોય છે. આ વર્ષે આ જવાબદારી મુખ્ય આર્થિક સલાહકાર વી. અનંત નાગેશ્વરન ઉપર રહેશે.
