દિવાળી ગિફટઃ CM નીતીશનું વિદ્યાર્થીઓને વ્યાજમુક્ત લોન આપવાનું એલાન

પટનાઃ બિહાર સરકારે જાહેરાત કરી છે કે 12મીની બોર્ડ પરીક્ષા પાસ કરનાર વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ મેળવવામાં મદદ માટે સ્ટુડન્ટ ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ વગર વ્યાજની લોન આપવામાં આવશે. અગાઉ સામાન્ય વર્ગના પુરુષ અરજદારોને ચાર ટકા વ્યાજે અને મહિલા, દિવ્યાંગ તથા ટ્રાન્સજેન્ડર અરજદારોને એક ટકા વ્યાજે ચાર લાખ રૂપિયા સુધીની શૈક્ષણિક લોન આપવામાં આવતી હતી.

CM નીતીશકુમારે X પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે હવે તમામ અરજદારો માટે લોન સંપૂર્ણપણે વ્યાજમુક્ત રહેશે. બિહાર સ્ટુડન્ટ ક્રેડિટ કાર્ડ યોજના બીજી ઓક્ટોબર, 2016થી અમલમાં છે. કુમારે કહ્યું છે કે બે લાખ રૂપિયા સુધીની લોન 60 માસિક હપતામાં ચૂકવવાની જોગવાઈ હતી, જેને હવે વધારીને વધુમાં વધુ 84 માસિક હપતા સુધી કરવામાં આવી છે.તેમણે જણાવ્યું હતુ કે બે લાખ રૂપિયાથી વધુ લોન માટે ચુકવણીના સમયગાળા 84 માસિક હપતાથી વધારીને વધુમાં વધુ 120 માસિક હપતા કરવામાં આવી છે.

નીતીશકુમારે કહ્યું હતુ કે તેમની સરકારનો હેતુ એ છે કે વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ મેળવી શકે. આ નિર્ણયો વિદ્યાર્થીઓનો મનોબળ વધારશે અને તેઓ વધુ ઉત્સાહ અને સમર્પણ સાથે ઉચ્ચ શિક્ષણ મેળવી શકશે, જેને કારણે માત્ર તેમનું નહીં, પરંતુ રાજ્ય અને દેશનું ભવિષ્ય પણ ઘડાશે. તેમણે કહ્યું કે અમારો હેતુ એ છે કે રાજ્યના વધુમાં વધુ વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ મેળવી શકે. શિક્ષણ લોનમાં આપવામાં આવતી આ સવલતો વિદ્યાર્થીઓના મનોબળમાં વધારો કરશે.