રાજકોટ: દેશની સૌથી મોટી સહકારી સંસ્થા ઇફ્કોના ડિરેક્ટરોની ચૂંટણીએ ગુજરાત ભાજપમાં આંતરિક જૂથવાદને સપાટી પર લાવ્યો છે. ગુજરાત ભાજપના બે દિગ્ગજ નેતાઓ વચ્ચેની આ લડાઇ વચ્ચે સૌરાષ્ટ્રના પટેલ નેતા દિલીપ સંઘાણી આજે સતત બીજી વખત ઇફ્કોના ચેરમેન બનશે તે લગભગ નક્કી હતું તેઓ આજે વિધિવત રીતે ફરી ચેરમેન બન્યા છે.
દિલ્હીમાં ગઈકાલે ઇફ્કો ભવન ખાતે કુલ 21 ડિરેક્ટર માટેની ચૂંટણીમાં 14 અગાઉ બિનહરીફ થયા હતા અને 7 માટેની ચુંટણી થઈ હતી તેમાં એક માત્ર ગુજરાતની બેઠક માટે ભાજપે અમદાવાદના બિપીન પટેલનો મેન્ડેડ આપ્યો હતો. પાર્ટીના આ આદેશ સામે સૌરાષ્ટ્રના દિગ્ગજ આગેવાન અને જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડીયા કુલ 180 મત માંથી 113 મત મેળવીને વિજયી થયા હતા. જેથી ભાજપના સત્તાવાર ઉમેદવારની હાર થઈ.
ભાજપ હાઈ કમાન્ડ માટે પડકાર રૂપ એ છે કે પહેલી વાર સત્તાવાર ઉમેદવારની સામે પક્ષના જ નેતા એ બગાવત કરીને જીત મેળવી છે એટલું જ નહિં હજુ બે દિવસ પહેલા જ અમરેલી લોકસભા બેઠક માં જેની સામે ભાજપે જીત માટે જોર લગાવ્યું એ કોંગ્રેસ ના ઉમેદવાર જેની ઠુમ્મર ના પિતા વીરજી ઠુમ્મર પણ ઇફ્કો ની ચુંટણીમાં રાદડીયાની પડખે રહ્યા હતા. આમ ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓ એ સાથે મળીને સતા લીધી છે. રાદડીયા હાલ રાજકોટ જિલ્લા બેંકના ચેરમેન છે. ઇફ્કોની ચુંટણી ને લઈને પાટીલ અને દિલીપ સંઘાણી સામ સામે આવી ગયા તેવો ઘાટ ઘડાયો છે.
(દેવેન્દ્ર જાની, રાજકોટ)