પોરબંદરઃ CM ભૂપેન્દ્ર પટેલે મહાત્મા ગાંધીજીની જન્મજયંતી નિમિત્તે પોરબંદર કીર્તિમંદિરમાં બાપુને પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને પ્રાર્થનાસભામાં સહભાગી થયા હતા. તેમણે શ્રદ્ધાસુમન અર્પણ કરતાં કહ્યું હતું કે મહાત્મા ગાંધીજીએ સૂતરના તાંતણે ખાદી અને સ્વદેશીથી આઝાદ ભારત માટેની પીઠિકા ઘડીને આઝાદી અપાવી છે. વડા પ્રધાન મોદીએ સ્વદેશીથી આત્મનિર્ભરતા અને સમૃદ્ધિનો મંત્ર ‘વોકલ ફોર લોકલ’થી આત્મસાત્ કરીને વિકસિત અને આત્મનિર્ભર ભારતના નિર્માણ પ્રેરણા આપી છે.
વિજ્યાદશમીની શુભકામનાઓ પાઠવતાં અને મહાત્મા ગાંધીજીને યાદ કરતાં જ આપણી નજર સમક્ષ એક સેવાભાવી સંત, અહિંસાના ઉપાસક અને વિશ્વમાનવનું ચિત્ર ઊપસી આવે છે. પોરબંદરની આ માટીમાંથી જન્મેલા મોહનદાસ ગાંધીજી આજે સાબરમતીના સંત અને અહિંસાના પૂજારી તરીકે વિશ્વમાં પૂજાય છે.
બાપુએ આપેલા સ્વચ્છતાના વિચારને સાર્થક કરવા વડા પ્રધાને જાતે જ હાથમાં ઝાડુ લઈને સફાઈને જનઆંદોલન બનાવ્યું છે અને દેશ અને દુનિયામાં એક દાખલો બેસાડ્યો છે. વડા પ્રધાને વોકલ ફોર લોકલનો સંકલ્પ કર્યો છે અને સ્વદેશી ચળવળ થકી ખાદીના ઉત્પાદન અને વેચાણ થકી ચારથી પાંચ ગણો વધારો થયો છે મોટા પાયે રોજગારીનું પણ નિર્માણ થયું છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
CMએ બાપુના જન્મસ્થળની માહિતી આવરી લેતા QR કોડના માધ્યમથી પ્રવાસીઓને સરળતાથી સ્થાપત્ય અને બાપુના જીવનકવન વિશે આંગળીઓના ટેરવે માહિતી મળશે એ સુવિધાની વાત રજૂ કરી હતી.
જિલ્લા પ્રભારી મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું હતું કે પોરબંદરની ભૂમિ પ્રખ્યાત છે – એક ચક્રધારી મોહન એટલે ભગવાન શ્રીકૃષ્ણના સખા સુદામાથી અને અને બીજા મોહન એટલે ચરખાધારી રાષ્ટ્રપિતા પૂજ્ય બાપુની ભૂમિથી.
પ્રાર્થનાસભાના સમાપન બાદ CMએ પરિસરના ‘સંગ્રહસ્થાન’ ખાદી ગ્રામોદ્યોગમાંથી ખાદીની ખરીદી કરી હતી અને કીર્તિ મંદિર સંચાલન સમિતિ દ્વારા તૈયાર કરાયેલા ‘પરિવારના મોભીનો વૈભવી ઈતિહાસ’ QR કોડનું અનાવરણ કર્યું હતું. આ QR કોડની મદદથી કીર્તિ મંદિરની મુલાકાતે આવતા પ્રવાસીઓને ગાંધીજીના જન્મસ્થળ તથા સ્મારકના અગત્યના ભાગોની ખાસિયતો વિશે હિંદી, અંગ્રેજી અને ગુજરાતી ભાષામાં ઓડિયો તેમ જ લખાણના સ્વરૂપે માહિતી ઉપલબ્ધ થશે.
મૌલિકભાઈ અને ગાયન વૃંદ દ્વારા ‘વૈષ્ણવ જન તો તેને રે કહીએ….’ સહિતના ભક્તિ ભજનની સરવાણીના માધ્યમથી બાપુને સ્મરણાંજલિ આપવામાં આવી હતી. આ કાર્યક્રમનું સંચાલન નીરવ જોશી એ કર્યું હતું. સર્વધર્મ પ્રાર્થનાસભામાં ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝા જિલ્લા પંચાયત પ્રમુખ પરબતભાઈ પરમાર, ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા સહિત અધિકારીઓ-પદાધિકારીઓ અને નગરજનોએ ઉપસ્થિત રહી ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

