રાંચીઃ શું ઝારખંડ કોંગ્રેસમાં બધું ઠીકઠાક ચાલી રહ્યું છે? આ પ્રશ્ન મહત્વનો છે, કારણ કે કોંગ્રેસના સિનિયર નેતા રાહુલ ગાંધીએ આજે ઝારખંડના તમામ કોંગ્રેસ નેતાઓને દિલ્હી બોલાવ્યા છે. આજે સાંજે ચાર વાગ્યે રાહુલ ગાંધી તેમની સાથે બેઠક કરશે. બેઠકનો હેતુ હજુ સ્પષ્ટ થયો નથી. રાહુલ ગાંધી સાથે બેઠક માટે કોંગ્રેસના તમામ ધારાસભ્યો, સાંસદો, મંત્રીઓ, પ્રદેશ અધ્યક્ષ અને પ્રદેશ પ્રભારી દિલ્હીની રવાના થઈ ચૂક્યા છે.
પ્રાપ્ત માહિતી મુજબ રાહુલ ગાંધી પાર્ટી કોટાના તમામ મંત્રીઓનો “રિપોર્ટ કાર્ડ” પણ જુએ એવી સંભાવના છે. પાર્ટીનાં સૂત્રોના જણાવ્યા મુજબ કેટલાક ધારાસભ્યો પ્રદેશ અધ્યક્ષથી નારાજ છે અને તેમને બદલવા માગે છે. તેનું એક મોટું કારણ એ છે કે કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતા અને પ્રદેશ અધ્યક્ષ બંને પછાત વર્ગમાંથી આવે છે, જે જાતિવાદી સમીકરણના હિસાબે યોગ્ય માનવામાં નથી આવતું. તેથી કોઈ એક ને બદલવાની ચર્ચા ચાલી રહી છે.
એ સાથે જ ધારાસભ્ય દળના નેતા પ્રદીપ યાદવને મંત્રી બનાવવાની પણ ચર્ચા છે. રાહુલ ગાંધી સાથે બેઠકમાં આ મુદ્દો પણ ઊભો થઈ શકે છે અને ધારાસભ્યોની સંમતિ લેવામાં આવી શકે છે.
રાહુલ ગાંધી સિવાય કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને કેન્દ્રીય મહામંત્રી કે.સી. વેણુગોપાલ પણ ધારાસભ્યો સાથે મુલાકાત લેશે. રાહુલ ગાંધીની સામે ધારાસભ્યો કંઈ ન બોલે, પરંતુ વેણુગોપાલને પોતાની નારાજગી અને ફરિયાદો જણાવીને તેઓ પાછા ફરશે.
સોમવારે લગભગ ચાર વાગ્યે રાહુલ ગાંધી સાથે ધારાસભ્યોની બેઠક થશે. આ બેઠકમાં ઘોષણાપત્ર મુજબ કરવામાં આવેલાં કાર્યોનો રિપોર્ટ પણ લેવામાં આવશે. રાજ્ય કોંગ્રેસના પ્રભારી કે. રાજુ પણ ધારાસભ્યો સાથે હાજર રહેશે.
