373 પ્રકારની પાઘડી બાંધવાની કળામાં મહારથી ધર્મરાજસિંહ વાઘેલા

ગાંધીનગર: રાજ્ય સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવુત્તિઓ વિભાગમાં ફરજ બજાવતા એક જિલ્લા યુવા વિકાસ અધિકારીએ અદ્દભૂત કલા ઉપર મહારથ મેળવી છે. આ અધિકારી પ્રાચીનકાળથી લઇને અર્વાચીન કાળ સુધી પ્રવર્તતી પરંપરા મુજબની ૩૭૩ પ્રકારની પાઘડીઓ બાંધી શકે છે. પોતાની આ કળાને જીવંત રાખવા પોલીસ સબ ઇન્સ્પેક્ટરના બદલે સાંસ્કૃતિક વિભાગમાં જવાનું પસંદ કરનારા આ અધિકારી દેશના વિવિધ પ્રાંતોમાં ફરીને આ કળાને શીખ્યા છે.જિલ્લા યુવા વિકાસ અધિકારી ધર્મરાજસિંહ વાઘેલાને બાલ્યકાળથી સાફા બાંધવાનો શોખ. પાંચ વર્ષના હતા ત્યારે તેમણે પોતાના વતન ગાંગડના રાજવી પરિવારના રઘુવીરસિંહ વાઘેલાને નૈવેધના પ્રસંગ સમયે સાફો બાંધ્યો હતો. એ બાદના પારિવારિક શુભ-અશુભ પ્રસંગોમાં એકત્ર થતાં વિવિધ પ્રાંત, પ્રદેશોના પરિજનોના માથા ઉપર બાંધવામાં આવેલી જુદા-જુદા પ્રકારની પાઘડીઓ જોઇ તેઓ અચરજ પામતા અને તેમાંથી આ પાઘડી કેવી રીતે બાંધી શકાય ? એ શીખવાની જિજ્ઞાસા ઉત્પન્ન થઇ.

તેમણે રાજકોટ ખાતે સ્નાતકનો અભ્યાસ કર્યો છે. તે દરમિયાન તેઓ એન.સી.સી. સાથે જોડાયેલા હતા. આર.ડી.સી. જેવા રાષ્ટ્રીય સ્તરના અનેક કેમ્પમાં ભાગ લીધો. આ ઉપરાંત હોકી, શૂટિંગના પણ ખેલાડી. એટલે આ અનુસંધાને તેમને અનેક રાજ્યોમાં જવાનું થતું હતું. જે રાજ્યમાં જાય ત્યાં પાઘડી બાંધવાની કળાની જાણકારી મેળવી, જે તે પ્રાંત-પ્રદેશોમાં તેઓ ગયા ત્યાં સ્થાનિક જાણકારને મળી આ કલા શીખી.

મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, પંજાબ ઉપરાંત રાજસ્થાનની તો તેમણે અનેક વખત મુલાકાત લીધી છે. આમ તેઓ દેશ ઉપરાંત વિદેશમાં બંધાતી પાઘડીઓની માહિતી એકત્ર કરી અને ૩૭૩ પ્રકારની પાઘડી બાંધતા શીખ્યા. આ નંબર તો તે જાણે છે એ છે. એનાથી પણ વધારે પાઘડીના પ્રકારો છે.

આ વાત થઇ ધર્મરાજસિંહની. તેમની કળાની વાત વધુ રસપ્રદ છે. લગભગ તમામ પ્રદેશો, ધર્મો, જાતિઓમાં પાઘડીને સન્માનનું પ્રતીક માનવામાં આવે છે. પ્રાચીન સમયમાં યુદ્ધ બાદ પરાજિત રાજા, લડવૈયાની પાઘડી લઇ લેવામાં આવતી હતી. તેને નાલેશી માનવામાં આવતી હતી.

પ્રાચીન કાળમાં પાઘડીને ઉષ્ણીશ તરીકે ઓળખવામાં આવતી હતી. શાંતિ દરમિયાન શિરોભુષણ અને યુદ્ધમાં શીરસ્ત્રાણ પહેરવામાં આવતા હતા. શીરસ્ત્રાણની બનાવટ ઓછાવત્તા સરખી જ હતી. પણ શિરોભુષણ એટલે કે આપણે અત્યારે પાઘડી કહીએ છીએ તે પ્રસંગ, જાતિ, પ્રાંત પ્રમાણે અલગ-અલગ હતી. જેમ કે, સાફો બાંધવાની પ્રથા આપણે ત્યાં ગાંધાર (હાલ અફઘાનના પઠાણોનો મુળ શિરોભુષણ) પ્રદેશમાંથી આવી છે.

શિરોભુષણના મૂળ પ્રકારો જોઇએ તો પાટલી પાડીને બંધાય એ પાઘ, વળ ચઢાવીને બંધાય એ પાઘડી ઉપરાંત સાફો અને ફેંટો આ બે સાદા કાપડથી બાંધવામાં આવે છે. સાફામાં ‘માભો’ રાખવામાં આવે છે. આ ઉપરાંત છોગું, ફૂગ પણ રાખવામાં આવે છે. સાફાના ઉપરના ભાગને છોગુ, બાજુમાં રહે તે વળ, પટા પડે એને માભો, નીચે રહે તેને ફગ કહેવામાં આવે છે.

હાલના સમયમાં પાઘડીઓને ગ્રંથસ્થ કરવાનું શ્રેય વડોદરાના રાજવી ફતેસિંહ ગાયકવાડ અને જોધપુરના મહેંદ્રસિંહ નગરને જાય છે. તેમણે અલગ-અલગ પ્રાંત, જાતિની પાઘડીઓને સંગ્રહિત કરી છે. એ બાદ મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશના કેટલાંક કલાકારો પાઘડીઓ બાંધી જાણે છે પણ, સમગ્ર દેશમાં સૌથી વધુ ૩૭૩ પ્રકારની પાઘડી બાંધવાની કલા તો એક માત્ર ધર્મરાજસિંહ વાઘેલા જ જાણે છે.

રાજકવિ પિંગળશી ગઢવીએ પચાસ પ્રકારની પાઘડીઓનો ઉલ્લેખ કર્યો છે. જો કે, તેમની આ નોંધ કચ્છ – કાઠિયાવડમાં બંધાતી પાઘડીઓ પૂરતી જ સીમિત છે. ગુજરાતના ઇતિહાસના પ્રસિદ્ધ પાત્ર વીર માંડવાવાળાની કથાના એક દોહા આવે છે. પાઘડિયું પચાસ, પણ એમાં આંટીયાળી એકેય નઈ, પણ ઇ ઘોડો ને ઇ અસવાર, હું તો મિટે ન ભાળું માંગડો! આ વાત અશુભ પ્રસંગે પાઘડી બાંધવાની શૈલીમાં ફેરફાર કરવાની પ્રથાને સૂચવે છે. યુદ્ધ – ધિંગાળામાં કોઇ વીર શહીદ (કામે આવવું) થાય ત્યારે તેની સાથે લડતા અન્ય લોકો પાઘડીના છેડે રહેલા વળ છોડી નાખતા હતા.

એક સમયે ગુજરાતમાં પાઘડીઓ પ્રદેશ કે જ્ઞાતિની ઓળખ સમાન હતી. જેમ કે, વડોદરાની બાબાશાહી, સુરતી, અમદાવાદી, પટ્ટણી, ઝાલાવાડી, ભાવનગરી, હાલારી, જૂનાગઢી, મોરબીશાહી આવા નામે પાઘડીઓ ઓળખાતી હતી. જ્ઞાતિઓ પણ જુદા-જુદા પ્રકારની પાઘડીઓ પહેરતી હતી.

જેમ કે, ભરવાડો ભોજપુરુ નામક પાઘડીઓ પહેરતા હતા. જેમાં નાના ભાઇ કે મોટા ભાઇ ભરવાડની ભોજપરું બાંધવાની શૈલી અલગ ! રબારીઓ ભોજપરુનો છેડો રાતો રાખતા હતા. ક્ષત્રિયો પરંપરા મુજબની ઉપરાંત ભાટિયા, નાગર, પટેલો, દલિતો વગેરે અલગ-અલગ પ્રકારની પાઘડીઓ બાંધતા હતા. આ તમામ બાબતો પિંગળશી ગઢવી,  જોરાવરસિંહ જાદવે ગ્રંથસ્થ કરી છે.

શિવાજી મહારાજ પહેરે છે, એવી મરાઠા, શિંદેશાહી પાઘડીઓ ચિત્રોમાં જોવા મળે છે. મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશના પ્રાંતોમાં તો પાઘડી બાંધવાનો વ્યવસાય હતો. તેને પડઘબંધ કહેવાતા હતા. ગુજરાતમાં આ વ્યવસાય પાઘડાળ તરીકે ઓળખાતો હતો. ગુજરાતના એક રાજાને મળવા માટે જવાનું થાય ત્યારે તેના રાજ્ય જેવી જ પાઘડી પહેરવી પડતી હતી.જિલ્લા યુવા વિકાસ અધિકારી ધર્મરાજસિંહ વાઘેલા કહે છે, સામાન્ય રીતે ૯ થી ૧૩ મીટરના પૂર્ણ પન્નાવાળા કાપડથી કોઇ પણ ગુજરાતી, રાજસ્થાની અર્વાચિન પાઘ-પાઘડી બંધાય જાય છે. આ ૩૭૩ પ્રકારો પૈકી સૌથી વધુ કપરી શૈલી કળાભરેલી કાઠિયાવાડી પાઘડીની છે. પહેલા ગુલખાર કે ઢાકા મલમલનું કાપડ પાઘડી બાંધવા માટે વપરાતું હતું. ગુજરાતમાં બહુધા લોકો જાતે જ પાઘડી બાંધતા હતા. પણ હવે ધીમે આ પ્રથા ભૂલાઇ રહી છે. મારા આઠ વર્ષીય દીકરા ધ્રુવરાજ સિંહને સાફો બાંધતા આવડી ગયું છે. આ પાઘડીઓ કળાને જીવંત રાખવા માટે ૩૭૩ પ્રકારને કચ્છના પ્રાગ મહેલના સંગ્રહાલયના મ્યુઝિયમમાં મૂકવાનું આયોજન છે. તે કહે છે, સૌથી મોટી પાઘડી તેમણે ભગવાન સોમનાથને ચઢાવી છે. ૭ મિટરના ઘેરાવો ધરાવતા શિવલિંગને પાઘડી ચઢાવવા માટે તાબડતોબ ૨૦૦ મીટર કાપડ પ્રિન્ટ કરાવ્યું હતું અને બાદમાં ચઢાવી હતી.ધર્મરાજસિંહ વાઘેલા તેમના શોખ અનુસાર નોકરી કરી પાઘડી બાંધવાની કળાને જીવંત રાખવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તેમણે અત્યાર સુધીમાં અલગ-અલગ જગ્યાએ આ કળાના જ્ઞાન અને પ્રચાર-પ્રસાર માટે ૧૬ પ્રદર્શનો કર્યા છે. આ કળા શીખવા માંગતા યુવાનો માટે ૨૩ ટ્રેઇનિંગ કેમ્પો પણ કર્યાં છે. જેમાં અનેક યુવાનો સાફા-પાઘડી બાંધતા શીખવાડ્યું છે. તેઓ ૧૫ વર્ષના હતા ત્યારથી યુવાનોને સાફા બાંધતા શીખવાડે છે. એમની પાસે શીખેલા ૪૦ જેટલા યુવાનો અત્યારે વ્યવસાયિક ધોરણે સાફા બાંધે છે. આર્થિક સ્થિતિ નબળી હોય એવા કેટલાક યુવાનોને તેમણે સાફા બાંધવાનું કાપડ ખરીદી આપ્યું છે.