નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટીએ સોમવારે લોકસભામાં પોતાના મુખ્ય દંડક અને અન્ય 16 દંડકોની નિમણૂક કરી છે. આ 16 દંડકોમાં ગુજરાતના બે સાંસદોનો સમાવેશ થાય છે. ગુજરાતના ધવલ પટેલ અને દેવુસિંહ ચૌહાણને ભાજપના લોકસભા દંડક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જ્યારે મુખ્ય દંડક તરીકે ડૉ. સંજય જૈસવાલની નિમણૂક કરવામાં આવી છે. દેવુસિંહ ચૌહાણ ખેડા જિલ્લાથી BJP સાંસદ છે. જ્યારે ધવલ પટેલ વલસાડ બેઠક પરથી સાંસદ છે. ત્યારે હવે પાર્ટી દ્વારા તેમને મહત્ત્વની જવાબદારી સોંપવામાં આવી છે. સંસદની કાર્યવાહી દરમિયાન મુખ્ય દંડક અને દંડકો મહત્વની ભૂમિકા ભજવે છે. તેમનું કાર્ય સંકલન અને પક્ષના સાંસદોને મહત્વપૂર્ણ બિલો અને પ્રસંગોએ ગૃહમાં હાજર રહેવા સૂચના આપવાનું છે.ભાજપ દ્વારા લોકસભાના મુખ્ય દંડક તરીકે ડૉ. સંજય જયસ્વાલની નિમણૂક કરવામાં આવી છે. તેઓ બિહારના સાંસદ છે. તેઓ રાજ્યની પશ્ચિમ ચંપારણ લોકસભા બેઠક પરથી એક લાખથી વધુ મતોના અંતરથી ચૂંટણી જીતવામાં સફળ રહ્યા હતા. ડૉ.સંજય જયસ્વાલ બિહારમાં પાર્ટીના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ રહી ચૂક્યા છે. તેઓ સતત ચોથી વખત ચૂંટણી જીતીને સંસદમાં પહોંચ્યા છે. તેમના પિતા મદન પ્રસાદ જયસ્વાલ પણ બેતિયા લોકસભા બેઠક પરથી ચૂંટણી જીત્યા હતા.