ઉત્તરાખંડ,હિમાચલમાં ભારે વરસાદથી વિનાશઃ 20નાં મોત

નવી દિલ્હીઃ ચોમાસાએ દેશઆખામાં દસ્તક દીધી છે. ઘણાં રાજ્યોમાં ભારે વરસાદ ચાલુ છે. પહાડી, દરિયાકાંઠા અને મેદાની વિસ્તારોમાં પાણી ભરાવ અને પૂર જેવી પરિસ્થિતિ છે. હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કરાયું છે જેના કારણે આજે ચાર જિલ્લામાં સ્કૂલો બંધ રાખવામાં આવી છે. વરસાદથી જોડાયેલી ઘટનાઓમાં અત્યાર સુધી 20 લોકોનાં મોત થયા છે. મંડી જિલ્લામાં જૂની અને વ્યાસ નદીઓમાં જળ સ્તર ઉપર ચાલી રહ્યા છે. ઉત્તરાખંડના ઉત્તરકાંશી જિલ્લામાં મેઘવિસ્ફોટ (ક્લાઉડબર્સ્ટ)ની ઘટના ઘટી હતી, જેમાં બે લોકોના મોત થયા છે. લોકોને સુરક્ષિત રાખવા માટે ચાર ધામ યાત્રા એક દિવસ માટે સ્થગિત કરવામાં આવી હતી. બદરીનાથ નેશનલ હાઈવે પર ભૂસ્ખલન થયું છે.

ઓડિશામાં બુધબલંગા, સુવર્ણરેખા, જલાકા અને સોનો જેવી નદીઓ જોખમના નિશાનને પાર કરતાં ઉપર વહી રહી છે. આસપાસના વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિ બની  છે.

હવામાન વિભાગે 30 જૂનથી ત્રીજી જુલાઈ સુધી મહારાષ્ટ્રના તમામ જિલ્લામાં વરસાદની ચેતવણી આપી છે. IMDએ આજે પાલઘર, થાણે, રાયગઢ, રત્નાગિરી, સિંધુદુર્ગ, મુંબઈ, નાસિક, નંદુરબાર, નાંદેડ, બીડ, જાલના, ધૂળિયા, પરભણી, હિંગોળી, ધારાશિવ અને પુણે જિલ્લામાં છૂટાછવાયાં સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

પંજાબ, હરિયાણા, ચંડીગઢ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને દિલ્હી-એનસીઆર જેવા વિસ્તારોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. 30 જૂને ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશના અલગ-અલગ વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ થવાની શક્યતા છે.