પશ્ચિમ બંગાળમાં ગોઝારો ટ્રેન અકસ્માત, 5 લોકોના મોત, 25 ઘાયલ

પશ્ચિમ બંગાળમાં એક મોટી ટ્રેન દુર્ઘટના સર્જાઈ છે. અહીં પાટા પર ઉભેલી કંચનગંગા એક્સપ્રેસ ટ્રેનને પાછળથી તેજ ગતિએ આવી રહેલી માલગાડીએ જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 5 લોકોના મોત થયા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે NJP થી સિયાલદહ જતી કંચનજંગા એક્સપ્રેસ સિલિગુડી ક્રોસ કર્યા બાદ રંગપાનીર સ્ટેશન પાસે અકસ્માતનો ભોગ બની હતી. આ દુર્ઘટનામાં ટ્રેનની પાછળની ત્રણ બોગીને ભારે નુકસાન થયું છે. તેમજ આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 5 મુસાફરોના મોત થયા છે અને 25 લોકો ઘાયલ થયા છે.

રેલ્વે તરફથી મળેલી માહિતી મુજબ આ દુર્ઘટનામાં બે પેસેન્જર બોગી અને એક પાર્સલ બોગીને નુકસાન થયું છે. કહેવામાં આવી રહ્યું છે કે આ અકસ્માતમાં ઘણા લોકો ઘાયલ થઈ શકે છે. ઘટના સ્થળે તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલોને એલર્ટ પર રાખવામાં આવી છે.

દાર્જિલિંગ પોલીસના એડિશનલ એસપી અભિષેક રોયે જણાવ્યું હતું કે, “અકસ્માતમાં પાંચ મુસાફરોના મોત થયા છે અને 20-25 ઘાયલ થયા છે. ઘાયલોમાં ઘણાની હાલત નાજુક છે. આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે એક માલગાડી કંચનજંગા એક્સપ્રેસ સાથે અથડાઈ હતી.”

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે તેને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે અને કહ્યું છે કે NFR વિસ્તારમાં દુર્ભાગ્યપૂર્ણ અકસ્માત થયો છે. બચાવ કાર્ય યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. રેલ્વે, NDRF અને SDRF ગાઢ સંકલનમાં કામ કરી રહ્યા છે. ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે. વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.

સીએમ મમતા બેનર્જીએ દુઃખ વ્યક્ત કર્યું

આ ઘટના પર સીએમ મમતા બેનર્જીએ ટ્વીટ કર્યું છે. મમતાએ લખ્યું છે કે દાર્જિલિંગ જિલ્લાના ફણસીદેવા વિસ્તારમાં એક દુ:ખદ ટ્રેન દુર્ઘટના વિશે જાણીને તે આઘાતમાં છે. જોકે વિગતોની રાહ જોવાઈ રહી છે, કંચનજંગા એક્સપ્રેસ માલસામાન ટ્રેન સાથે અથડાઈ હોવાના અહેવાલ છે. બચાવ અને તબીબી સહાય માટે ડીએમ, એસપી, ડોકટરો, એમ્બ્યુલન્સ અને ડિઝાસ્ટર ટીમને ઘટનાસ્થળે મોકલવામાં આવી છે. યુદ્ધના ધોરણે કાર્યવાહી શરૂ કરવા સૂચના આપવામાં આવી છે.