કોલકાતાના ગેંગરેપ મામલે મમતા ‘દીદી’ના રાજીનામાની માગ

કોલકાતાઃ કોલકાતાની લો કોલેજમાં ફર્સ્ટ યરની વિદ્યાર્થિની સાથે થયેલા ગેંગરેપના મામલે પોલીસે અત્યાર સુધીમાં સુરક્ષા ગાર્ડ સહિત ચાર આરોપીઓની ધરપકડ કરી છે. આ મામલાને લઈને ભાજપે પશ્ચિમ બંગાળનાં CM મમતા બેનરજીના રાજીનામાની માગ કરી છે. ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ શનિવારે એક પ્રેસ કોન્ફરન્સમાં મમતા સરકાર પર તીવ્ર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે પૂછ્યું કે જ્યાં એક મહિલા CM છે, ત્યાં મહિલાઓ સાથે આવી બર્બરતા કેમ થઈ રહી છે?

સંબિત પાત્રાએ શું કહ્યું?

સંબિત પાત્રાએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કેટલીક તસવીરો પણ દર્શાવી અને જઘન્ય ઘટના માટે તૃણમૂલ કોંગ્રેસ પર નિશાન પર સાધ્યું હતું. તેમણે કહ્યું હતું કે મમતા બેનરજીની સરકારને લાગે છે કે તેમની કોઈ જવાબદારી નથી. પાત્રાએ જણાવ્યું હતું કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ આ ઘટના અંગે ચાર સભ્યોની કમિટીની રચના કરી છે. આ સમિતિ તત્કાલ ઘટનાસ્થળની મુલાકાત લેશે અને પોતાનો તપાસ અહેવાલ જે.પી. નડ્ડાને રજૂ કરશે. તેમણે કહ્યું હતું કે મમતા બેનરજીએ તરત જ આ ઘટનાને લઈને માફી માગવી જોઈએ અને રાજીનામું આપવું જોઈએ.

એક અધિકારીએ જણાવ્યું હતું કે અમે આજે સવારે સુરક્ષા ગાર્ડની ધરપકડ કરી છે, કારણ કે તેના જવાબો અસ્પષ્ટ હતા. CCTV ફુટેજ મુજબ તે કોલેજમાં હાજર હોવાનું જણાયું હતું. અધિકારીએ જણાવ્યું હતું કે ગાર્ડ પોતાની ફરજ નિભાવવામાં નિષ્ફળ રહ્યો હતો.

અધિકારીએ કહ્યું હતું કે ગાર્ડે આ સ્પષ્ટપણે નથી જણાવ્યું કે તેણે યોગ્ય પગલું કેમ ન લેવું અને ત્રણેય આરોપીઓને અપરાધ કરતા કેમ ન અટકાવ્યા.