આમ આદમી પાર્ટીના નેતાઓની મુશ્કેલી દિવસે દિવસે વધી રહી છે. તેમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલથી લઈને મનિષ સિસોદિયા સુધી તમામ નેતાઓ પર ઈડી દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. ગઈકાલે અરવિંદ કેજરીવાલની કસ્ટડી 7 મે સુધી વધારવામાં આવી હતી તો આજે કોર્ટે મનિષ સિસોદિયાની કસ્ટડી પણ 7 મે સુધી લંબાવી દીધી છે. રાઉઝ એવન્યુ કોર્ટે દિલ્હી લિકર પોલિસી સંબંધિત CBI કેસમાં આરોપો ઘડવાની માંગણી કરતી અરજી પર કેન્દ્રીય તપાસ એજન્સી પાસેથી જવાબ માંગ્યો છે. કોર્ટે આ કેસમાં મનિષ સિસોદિયાની ન્યાયિક કસ્ટડી 7 મે સુધી લંબાવી છે.
ઉલ્લેખનિય છે કે આરોપીના વકીલે સુનાવણી દરમિયાન ન્યાયાધીશને કહ્યું કે અમારે કોર્ટ રૂમમાંથી બહાર જવું જોઈતું ન હતું. આ માટે અમે માફી પણ માંગીએ છીએ. નારાજગી વ્યક્ત કરતા ન્યાયાધીશે કહ્યું કે અમે આ પ્રકારનું વર્તન પહેલીવાર જોયું છે. તમારી દલીલો પૂરી થતાં જ તમે કોર્ટમાંથી બહાર નીકળી ગયા. આ દરમિયાન અરજદારે દલીલ કરી હતી કે હજુ તપાસ ચાલુ છે. જ્યારે CBIએ આ દલીલનો વિરોધ કર્યો હતો.
ત્રણ-ચાર મહિનામાં તપાસ પૂરી થઈ જશે
અરજદારના વકીલે કોર્ટને કહ્યું કે કેસની સુનાવણી દરમિયાન IOએ કહ્યું હતું કે ત્રણ-ચાર મહિનામાં તપાસ પૂરી થઈ જશે. પરંતુ હજુ સુધી કેસની તપાસ ચાલી રહી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે કોર્ટના આદેશ બાદ આ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી અને 164નું નિવેદન પણ નોંધવામાં આવ્યું હતું. કેસમાં આરોપો ઘડવાની સુનાવણી હવે શરૂ થવી જોઈએ નહીં.