ચૂંટણી સુધારાઓ પર ચર્ચામાં આજે લોકસભામાં ઘમસાણની શક્યતા

નવી દિલ્હી: ‘વંદે માતરમ’ પર ઘમસાણભરી ચર્ચા બાદ મંગળવારે લોકસભામાંચૂંટણી સુધારા મુદ્દે ચર્ચા થવાની છે. સત્તા પક્ષ અને વિરોધ પક્ષ વચ્ચે આ મુદ્દે તીવ્ર ટકરાર થવાની સંભાવના છે. ખાસ કરીને કોંગ્રેસ આ મુદ્દે આક્રમક વલણ ધારણ કરશે એવી ધારણા છે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી લાંબા સમયથી વોટ ચોરી, મતદાર યાદીમાં ગરબડી અને SIRમાં ગરબડી જેવા ગંભીર આરોપો લગાવીને સરકાર અને ચૂંટણી પંચને ઘેરી રહ્યા છે. મંગળવારે ચૂંટણી સુધારાઓ પર ચર્ચામાં રાહુલ ગાંધી પણ બોલશે. જોકે શરૂઆત કોંગ્રેસ સાંસદ મનીષ તિવારી કરશે.

રાહુલે હરિયાણા, મહારાષ્ટ્ર અને કર્ણાટક જેવાં રાજ્યોમાં વોટ ચોરીના ગંભીર આરોપો લગાવ્યા હતા. ચૂંટણીમાં ગરબડીનો ખુલાસો કરતાં તેમણે “હાઇડ્રોજન બોમ્બ અને એટમ બોમ્બ ફોડીશ” જેવા દાવા પણ કર્યા હતા. બિહારમાં તેમણે ‘વોટર અધિકાર યાત્રા’ કાઢીને પણ ચૂંટણીમાં અનિયમિતતાઓનો મુદ્દો જોરશોરથી ઉઠાવ્યો હતો અને ગરીબો, દલિતો અને પછાત વર્ગોના મત કાપવામાં આવે છે, એવો આરોપ મૂક્યો હતો.

શિયાળુ સત્રની શરૂઆતમાં જ વિપક્ષ મતદાર યાદીમાં ગેરરીતિ અને SIR પર ચર્ચા કરવાની માગ પર અડગ હતો, પરંતુ સરકારનું કહેવું છે કે ચૂંટણી પંચ એક સ્વતંત્ર બંધારણીય સંસ્થા છે, એટલે SIRની જગ્યાએ ચૂંટણી સુધારાઓ પર વ્યાપક ચર્ચા થવાની શક્યતા છે. ચર્ચા દરમ્યાન વિપક્ષ કેટલાંક રાજ્યોમાં BLOના મોતની ઘટનાઓ, SIR પ્રક્રિયામાં ઝડપ જેવા મુદ્દા પણ ઉઠાવી શકે છે.

ચૂંટણી સુધારો ચર્ચામાં ભાજપના વક્તાઓ

ભાજપ તરફથી સાંસદ નિશિકાંત દુબે, અભિજિત ગંગોપાધ્યાય, પી.પી. ચૌધરી અને સંજય જાયસ્વાલ સહિતના વરિષ્ઠ સાંસદો ભાગ લઈ શકે છે. બે દિવસની ચર્ચાના અંતે કોઈ વરિષ્ઠ મંત્રી જવાબ આપી શકે છે.

કોંગ્રેસ તરફથી કોણ બોલશે

કોંગ્રેસ સાંસદોમાં કે.સી. વેણુગોપાલ, મનીષ તિવારી, ઉજ્જ્વલ રમણ સિંહ, વર્ષા ગાયકવાડ, મોહમ્મદ જાવેદ, ઈસા ખાન, રવિ મલ્લુ, ઇમરાન મસૂદ, ગોવાલ પડવી સહિતના સાંસદોની ભાગીદારીની સંભાવના છે. સૌથી અંતે રાહુલ ગાંધી ભાષણ કરશે.