થાઈલેન્ડ ભાગેલા ગોવા નાઇટ ક્લબના માલિક વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર જાહેર

નવી દિલ્હીઃ ગોવાની જે નાઇટ ક્લબમાં રવિવારે આગ લાગવાથી 25 લોકોનાં મોત થયાં હતાં, તે ક્લબના માલિક સૌરભ અને ગૌરવ લુથરા ભારત છોડી થાઈલેન્ડ જઈ ચૂક્યા છે, એવી આવી માહિતી ગોવા પોલીસે આપી છે. પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે FIR નોંધાતાં જ તરત જ પગલાં લેવામાં આવ્યાં અને આરોપી ગૌરવ અને સોરભ લુથરાના નિવાસસ્થાન પર દરોડા પાડવા માટે ટીમ દિલ્હી મોકલવામાં આવી હતી.

પોલીસે જણાવ્યું હતું કે લુથરાભાઈઓ તેમના મકાનમાં હાજર નહોતા, એટલા માટે તેમના ઘર પર નોટિસ ચોંટાડવામાં આવી. રવિવાર સાંજ સુધીમાં ગોવા પોલીસની માગ પર ઇમિગ્રેશન બ્યુરો દ્વારા તેમના વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર જાહેર કરવામાં આવ્યો છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે શનિવાર મધરાતે જ્યારે આ ઘટના બની ત્યારે બંને ભાઈ દિલ્હીમાં હતા. એક અધિકારીએ કહ્યું હતું કે જ્યારે મુંબઈ સ્થિત ઇમિગ્રેશન બ્યુરોનો સંપર્ક કર્યો, ત્યારે જાણવા મળ્યું હતું કે બંને આરોપી સાત ડિસેમ્બરની સવાર ઘટના બાદના થોડા કલાકોમાં – ફુકેટ માટેની ફ્લાઇટમાં સવાર થઈ ચૂક્યા હતા.તેમણે જણાવ્યું હતું કે ગોવા પોલીસે બંનેને પકડવા માટે CBIના ઇન્ટરપોલ વિભાગનો સંપર્ક કર્યો છે.ભારત અને થાઈલેન્ડ વચ્ચે 2015થી અમલમાં આવેલી પ્રત્યાર્પણ સંધિ છે. લુથરા પરિવારએ ફૂડ અને બેવરેજ ઉદ્યોગમાં ભારે સફળતા મેળવી છે. માત્ર દાયકાભરમાં તેમણે અનેક શહેરોમાં અને વિદેશોમાં દુકાનો શરૂ કરી છે.

પોલીસે નોંધ્યો ગુનો

આગના કેસમાં પોલીસે લુથરા પરિવાર, આઉટલેટના મેનેજર અને તે સાંજના ઇવેન્ટ આયોજક વિરુદ્ધ બિન ઇરાદતન હત્યાનો કેસ નોંધ્યો છે. દિલ્હી પોલીસ ક્રાઈમ બ્રાંચે જણાવ્યું છે કે અનુમાન છે કે લુથરા પરિવારનો ગોવા બિર્ચ નાઇટ ક્લબમાં સહ-માલિકી હિસ્સો હતો. એક અધિકારીએ કહ્યું છે  કે સંદેહ છે કે તે આ સમયે દિલ્હીમાં છે અને ટીમ તેની શોધમાં છે.