‘સાપુતારા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ’ બન્યું ૮૪થી વધુ ખેલાડી માટે ‘ખેલ-ગુરુકુળ’

સાપુતારા: ચારે બાજુ આભને આંબતી ગિરિમાળાની શ્રુંખલાઓ, વાદળ જાણે ડુંગરોને સ્પર્શવાની સ્પર્ધામાં હોય, લીલીછમ્મ હરિયાળી જાણે હમણાં કંઈક બોલી ઊઠવાની ઉતાવળમાં હોય અને આવા આહલાદક અને નયનરમ્ય વાતાવરણમાં પણ ‘મન, મસ્તિષ્ક અને નજર બધું જ નિશાના પર લગાવીને પોતાની ઈચ્છાઓને તાકવા તત્પર બેઠેલા નાના નાના તિરંદાજ યુવક-યુવતીઓને એક સાથે નિશાન તાકતા જોવા હોય કે એક સાથે સંખ્યાબંધ બાળકોને હોકી સ્ટીક સાથે બોલને મારતા અને નિયંત્રણ કરતા જોવા હોય તો સાપુતારા જવું જ પડે… ગુજરાતના એક માત્ર ગિરિમથક એવા સાપુતારાનું ‘સાપુતારા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ’ એટલે આવા તિરાંદાજો અને હોકી સાથે અનેકવિધ રમતોનું કૌશલ્યવર્ધન કેન્દ્ર.રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગના સ્પોર્ટ્સ ઑથોરિટી ઑફ ગુજરાત, ગાંધીનગર દ્વારા પબ્લિક અને પ્રાઇવેટ પાર્ટનરશિપથી રમતની તાલીમ અને શાળાકીય શિક્ષણ બંનેના ધ્યેયને ચરિતાર્થ કરવા એક સંયોજિત યોજના ‘જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ’ને વર્ષ ૨૦૧૩-૧૪થી અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના થકી રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં સ્પોર્ટસ સ્કૂલ કાર્યરત છે. આવી જ એક જિલ્લા કક્ષાની સ્પોર્ટ્સ સ્કૂલ ડાંગ જિલ્લામાં સાપુતારા ખાતે ‘ડાંગ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ’ તરીકે  કાર્યરત છે. સમગ્ર રાજ્યમાં રમત-ગમતને પ્રાધાન્ય અપાયું છે. ખેલ મહાકુંભનું પણ આયોજન કરાય છે. તેની પાછળ રાજ્યભરમાંથી રમત ગમત ક્ષેત્રે પ્રતિભાઓ આગળ આવે તે મુખ્ય ઉદ્દેશ છે.

સાપુતારાના કુદરતી સૌંદર્ય વચ્ચે સ્પોર્ટ્સ સૌંદર્ય પણ નિખરી રહ્યું છે. ડાંગનું ‘સાપુતારા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ’ ૮૪થી વધુ ખેલાડીઓ માટે ખેલ-ગુરુકુળ તરીકે ઊભરી આવ્યું છે. ડાંગ જિલ્લાની સ્નેહા જીરવાલ વર્ષ 2020માં YT એટલે કે યંગ ટેલેન્ટ તરીકે કોમ્પ્લેક્ષમાં આવી હતી. અહીં તિરંદાજીની સઘન તાલીમ લઈ રહી છે. તાલીમ પછી વર્ષ 2024ના ખેલ મહાકુંભમાં રાજ્યકક્ષાએ બે બ્રોન્ઝ મેડલ મેળવી ચૂકી છે. તેના પિતાજી સ્થાનિક કક્ષાએ મજૂરી કરીને ઘરનું ગુજરાન ચલાવે છે. સ્નેહાના કઠોર પરિશ્રમને જોતાં રાષ્ટ્રીય કક્ષાએ તેને ખ્યાતિ મળે તેવી પૂરી શક્યતા હોવાનું, તેના કોચ જીતુભાઈ જણાવે છે.માછીમાર પિતા નવનીતભાઈ હળપતિની દીકરી કિંજલ કહે છે કે, ‘મારા પિતા માછીમારીનો વ્યવસાય કરે છે, તેમાંથી ઘર જ માંડ-માંડ ચાલતું હોય તો હોકી શીખવી અને રમવી બેય અઘરું હતું. તેવા સમયે સરકારે આ સુવિધા સાપુતારામાં ઊભી કરી અને મેં વર્ષ 2022માં સાપુતારામાં એડમિશન લીધુ. મને અહીં ઉત્તમ કક્ષાની તાલીમ મળે છે.’

અહીંના કોચ શ્રી અલ્કેશ પટેલ કહે છે કે, ‘કિંજલનો પરિવાર આર્થિક રીતે ખૂબ નબળો છે, કિંજલે અહીં YT એટલે કે યંગ ટેલેન્ટ તરીકે એડમિશન લીધું છે. કિંજલ U-14માં રાષ્ટ્રીય કક્ષાએ હોકી સ્પર્ધામાં ગ્વાલિયર મુકામે રમીને આવી છે. કિંજલ ખૂબ ગરીબ પરિસ્થિતિમાંથી આગળ વધી રહી છે.’

આજ રીતે ઉત્તરા મહાવર પણ પ્રુવન્ટ ટેલેન્ટ (PT) ખેલાડી તરીકે 2022માં સાપુતારાના આ સ્પોર્ટસ કોમ્પલેક્ષમાં જોડાઈ હતી. તેના પિતા ચાની લારી પર કામ કરે છે. અહીં તાલીમ મેળવીને તેણે ખેલ મહાકુંભમાં રાજ્યકક્ષાએ સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે.

આવા તો કંઈક પરિવારોના દીકરા-દીકરીઓ આ કોમ્પલેક્ષમાં તાલીમ મેળવીને રાજ્ય તેમજ દેશનું નામ રોશન કરવા સજ્જ છે.

‘જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ’ યોજના અંતર્ગત સ્કૂલમાં ખેલાડીઓને રહેવાની, અભ્યાસ, ભોજન અને તાલીમને લગતી તમામ સુવિધાઓ આપવામાં આવે છે. નિષ્ણાત કોચ દ્વારા વૈજ્ઞાનિક ઢબે રમતની તાલીમ આપવામાં આવે છે. આ સાથે સ્કૂલમાં ફિઝિયો, ન્યુટ્રીશન્સ અને યોગ એક્સપર્ટ સહિતનો સ્ટાફ ઉપલબ્ધ હોય છે. આ સ્કૂલમાં ખેલાડીઓનું વર્ગીકરણ યંગ ટેલેન્ટ, પ્રુવન્ટ ટેલેન્ટ, હાઈટ હન્ટ અને ઇન સ્કૂલ ટેલેન્ટ થકી કરવામાં આવે છે.

જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ યોજના અંતર્ગત ડાંગ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે કુલ ૮૪ ખેલાડીઓને વિવિધ રમતની તાલીમ આપવામાં આવી રહી છે. જેમાં 44 બહેનો અને 40 ભાઈઓ એટલે કે કુલ 84 ખેલાડીઓનો સમાવેશ થયો છે. જેમાં એથ્લેટિક્સમાં 5 ખેલાડીઓ, આર્ચરીમાં 13, હોકીમાં 32, અને વાય. ટી.માં 24 ખેલાડીઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત એથ્લેટિક્સમાં એક કોચ અને એક ટ્રેનર તેમજ આર્ચરીમાં એક કોચ અને એક ટ્રેનર અને હોકીમાં પણ એક કોચ અને એક ટ્રેનરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આમ કુલ ત્રણ કોચ અને ત્રણ ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવી રહી છે. તદુપરાંત બાળકોની રહેવાની જમવાની સુવિધા પણ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે કરવામાં આવી છે. આ તમામ ખેલાડીઓને નજીકમાં આવેલી શાળાઓમાં પ્રવેશ અપાવવામાં આવ્યો છે. આ તમામ બાળકોને શાળાથી કોમ્પ્લેક્ષમાં આવવા-જવાની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. સૌથી ખાસ વાત એ પણ છે કે, ડાંગ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં તૈયાર થયેલા ખેલાડીઓએ ગત વર્ષ ૨૦૨૩-૨૪માં રાષ્ટ્રીય કક્ષાએ કુલ ૧ મેડલ તથા રાજ્યકક્ષાએ કુલ ૭ મેડલ પ્રાપ્ત કર્યા છે. વાય.ટીમાં ખેલ મહાકુંભના અંડર -૯  અને અંડર -૧૧ના પ્રતિભાશાળી ખેલાડીઓની પસંદગી ટેલેન્ટ આઈડેન્ટિફિકેશન દ્વારા કરવામાં આવે છે.

ડાંગ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં મુખ્યત્વે આર્ચરી, કબડ્ડી, ખોખો અને હૉકીની વિશેષ તાલીમ અપાય છે. કોમ્પ્લેક્ષમાં વિવિધ એથ્લેટિક્સ રમત માટે અત્યાધુનિક ૪૦૦ મીટર સિન્થેટિક ટ્રેક છે. અહીં મીડલ અને લોંગ રન તથા હાઇ જમ્પ સહિતની ટ્રેકિંગની તમામ રમતની તાલીમની સુવિધાઓ છે. અહીં હાઇ એલ્ટિટ્યૂડ માહોલમાં મળતી તાલીમ ખેલાડીઓનું પરફોર્મન્સ સુધારે છે.ડાંગ જિલ્લાની વાત આવે એટલે સૌના મુખે સરિતા ગાયકવાડનું નામ જરૂરથી આવી જાય છે. સરિતા ગાયકવાડે વર્ષ 2019માં એશિયન ચેમ્પિયનશિપ દોહા ખાતે વુમેન્સ 4*400 મીટર ઇવેન્ટમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો હતો. આ ઉપરાંત સરિતાએ વર્ષ 2019માં એશિયન ચેમ્પિયનશિપ દોહા ખાતે 400 મીટર હડલ્સમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. જ્યારે મુરલી કુમાર ગાવીતે વર્ષ 2019માં એશિયન ચેમ્પિયનશિપ દોહા ખાતે મેન્સ 10,000 મીટર ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો.

સાપુતારામાં આવેલું ડાંગ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ હાઇ એલ્ટિટ્યૂડમાં તાલીમ માટે આ કોમ્પ્લેક્ષ ફેવરિટ મનાય છે. દરિયાની સપાટીથી 1500 મીટરની ઊંચાઈ પર આવેલ આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં તાલીમ અને તૈયારી કરાવાય તો ઓછા ઓક્સિજન ધરાવતા માહોલમાં પણ ખેલાડી સારું પરફોર્મ કરી શકે છે. આંતરરાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓ માટે આવા માહોલમાં તાલીમ કરાવવી જરૂરી છે.