નાગપુરઃ પોલીસે એક આંતરરાષ્ટ્રીય ગેંગનો ભાંડો ફોડ્યો છે. દેશનાં લગભગ 21 રાજ્યોની પોલીસ આ ગેંગને શોધી રહી હતી. આ ગેંગે લગભગ દેશનાં તમામ રાજ્યોમાં પોતાની પકડ બનાવી લીધી હતી અને 20 કરોડથી વધુ રૂપિયાના કેશ ટ્રાન્ઝેક્શન વિવિધ ખાતાં મારફતે પોતાના એકાઉન્ટમાં કર્યા હતા. નાગપુર પોલીસે અત્યાર સુધીમાં 23 આરોપીઓની ધરપકડ કરી છે અને બે અન્યોની શોધખોળ ચાલુ છે. આ આરોપીઓની ધરપકડ થયા બાદ અન્ય રાજ્યોની પોલીસ પણ હવે કાર્યવાહી માટે તૈયાર થઈ રહી છે. આ અંગે નાગપુરના પોલીસ કમિશનર ડો. રવિન્દ્ર સિંગલે એક પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપી હતી. આ ગેંગ સામે દેશનાં 21 રાજ્યોમાં લગભગ 200 જેટલા કેસ નોંધાયા છે.
કઈ રીતે કરતા હતા છેતરપિંડી?
આરોપીઓની છેતરપિંડી કરવાની રીત ખૂબ ચોંકાવનારી છે. તેઓ ઓળખાણના લોકો અથવા સંપર્કમાં આવેલા મજૂરોને કહેતા કે ભાગીદારીમાં બિઝનેસ શરૂ કરીએ. વિશ્વાસ જીત્યા બાદ તેઓ તેમના આધાર કાર્ડ, પાન કાર્ડ અને અન્ય જરૂરી દસ્તાવેજો મેળવી લેતા. ત્યાર બાદ તેમને નામે બેંક ખાતાં ખોલતા. ખાતાધારકોને ખબર પણ ન પડતી કે તેમના ખાતામાં કરોડો રૂપિયા જમા થયા કે ઉપાડાયા. તેમને ફક્ત 20,000થી 25,000 રૂપિયા સુધીનું કમિશન મળતું. આ ખાતાઓ મારફતે હવાલા, બેટિંગ, ઓનલાઇન ગેમિંગ અને અન્ય ગેરકાયદે રૂપિયાના કરોડો રૂપિયાના વ્યવહારો થતા.

વિદેશ મોકલાતા હતા રૂપિયા
હવાલા, ઓનલાઇન ગેમિંગ, સટ્ટેબાજી અને ક્રિપ્ટોકરન્સી દ્વારા છેતરપિંડી કરનારા આ આંતરરાષ્ટ્રીય રેકેટ દ્વારા ભાડાના બેંક ખાતાઓમાં આવેલી રકમ ગેરમાર્ગે વિદેશ મોકલવામાં આવતી હતી. નાગપુરની ક્રાઇમ બ્રાંચે આ આરોપીઓની ધરપકડ કરી છે. આ કોઈ પણ રાજ્યની પોલીસ માટે અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી ગણાય છે. પ્રાપ્ત માહિતી મુજબ આખી ગેંગમાં 28 લોકો સામેલ છે, જેમાંથી 23 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસને આરોપીઓ પાસેથી મોટી સંખ્યામાં મોબાઇલ અને સિમ કાર્ડ પણ જપ્ત કર્યા છે.


