ગોબર ગણેશઃ એ.એમ.સીની ઝુંબેશમાં પર્યાવરણ કલા ભક્તિનો સમન્વય

અમદાવાદ: ભાદરવા સુદ ચોથના દિવસે ગણેશ ચતુર્થી સાથે ગણેશોત્સવના શરૂઆત થશે. વિઘ્નહર્તા ગણેશજીને ગલી, મહોલ્લા, સોસાયટીના પંડાલમાં વાજતે ગાજતે લવાશે. આ સાથે કેટલાક શ્રધ્ધાળુ ભક્તો ઘરમાં પણ ગણેશોત્સવ મનાવે છે. ગણેશોત્સવ બાદ વિદાય બાદ મૂર્તિઓનું જળાશયોમાં વિસર્જન કરવામાં આવે છે. પર્યાવરણની જાળવણી માટે સરકાર તરફથી લોકોને જાગૃત કરવામાં આવે છે.નાની મૂર્તિઓ, માટીની મૂર્તિઓનું ચલણ વધે એવા પ્રયાસ કરવા માટે સરકાર તરફથી મૂર્તિકારોના મેળાઓનું પણ આયોજન કરવામાં આવે છે. એમાંય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સી.એન.સી.ડી વિભાગે નવો પ્રયોગ કર્યો. કરુણા મંદિરમાં રહેલી ગાયોના ગોબરનો ઉપયોગ ગણેશજીની મૂર્તિઓ બનાવવામાં કર્યો. આ સાથે શેરડીના સાંઠામાંથી પણ ગણેશની મૂર્તિઓ બનાવવામાં આવી રહી છે. જેનું સરળતાથી વિસર્જન કરી શકાય છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સી.એન.સી.ડી (કેટલ ન્યુસન્સ કંટ્રોલ ડિપાર્ટમેન્ટ)ના મુખ્ય અધિકારી નરેશ રાજપૂત ચિત્રલેખા.કોમને કહે છે અમારા વિભાગનું કામ શહેરના મુખ્ય માર્ગો પર રખડતાં ઢોરને નિયંત્રણમાં લેવાનું છે. હાલ અમારી પાસે ઢોર વાડો એટલે કે કરુણા મંદિરમાં અંદાજે 1500 જેટલા ગૌ વંશ છે. આ ગૌ વંશનું 2800 કિલો જેટલું ગોબર ભેગું થાય છે. પર્યાવરણને બચાવવાની એ.એમ.સીની ઝુંબેશને ધ્યાનમાં રાખી આ ગોબરનો સદ્ ઉપયોગ શરૂ કર્યો. આ વખતે વૈદિક હોળી માટે 80 જેટલી જગ્યાઓ પર ગોબર માંથી સ્ટિક બનાવી લોકોને પૂરી પાડી. આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી પણ ઉપસ્થિત રહ્યા હતા. આ ગોબરની સ્ટિક સ્મશાનમાં અંતિમ વિધિમાં પણ ઉપયોગમાં લેવામાં આવે છે. ગાયના ગોબરમાંથી વૈદિક વિધિ માટે વપરાતી સામગ્રી પણ બનાવવમાંનું શરૂ કર્યું છે. અહીંની ગાયોના ગોબરમાંથી બાયોગેસ બનાવવાનું પણ શરૂ થઇ ગયું છે.નરેશ રાજપૂત વધુમાં કહે છે સૌથી મહત્વની વાત હું છેલ્લા કેટલાક વર્ષોથી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ સાથે સંકળાયેલો છું. ગણેશોત્સવ દરમિયાન પી.ઓ.પી.માંથી બનેલી મોટી વિશાળ મૂર્તિઓ ઝડપથી ઓગળતી નથી. પર્યાવરણના સંરક્ષણ માટે વિચાર આવ્યો કે આપણી પાસે જે ગાયો છે એના ગોબરમાંથી મૂર્તિ બનાવવામાં આવે તો એ ઝડપથી બની પણ જશે. ગણેશોત્સવ બાદ વિદાય વખતે ઝડપથી પર્યાવરણ સાથે ઓગળી ભળી પણ જશે. ગાયના ગોબરમાંથી બનાવેલી મૂર્તિ વજનમાં પણ એકદમ હલકી છે. જુદા જુદા કલર સાથે એને સજાવી પણ શકાય છે. નવરંગપુરા ગામમાં વર્ષોથી ગાયના ગોબરમાંથી ચીજ વસ્તુઓ બનાવતા અશોક પટેલનું પણ ગૌ ગણેશની આ કામગીરીમાં મોટું યોગદાન છે.

ગાયના ગોબરમાંથી બનેલી વિવિધ વસ્તુઓ અને ગૌ ગણેશજીની મૂર્તિઓ દાણીલીમડા કરુણા મંદિર અને બાકરોલ કરુણા મંદિરમાં ઉપલબ્ધ છે.

(પ્રજ્ઞેશ વ્યાસ-અમદાવાદ)