ઝારખંડમાં વેટિકન સિટી થીમ પર દુર્ગા પૂજા પંડાલથી વિવાદ

રાંચીઃ શહેરમાં વેટિકન થીમ પર બનાવવામાં આવેલ દુર્ગા પૂજા પંડાલે વિવાદ ઊભો કર્યો છે અને વિશ્વ હિંદુ પરિષદ તથા ભાજપે આ મુદ્દે ચિંતા વ્યક્ત કરી છે. જોકે આયોજનકર્તાઓનું કહેવું છે કે તેનો હેતુ ભાઈચારો વધારવાનો છે. આર.આર. સ્પોર્ટિંગ ક્લબ દ્વારા બનાવવામાં આવેલી આ ઝાંખીમાં ગુંબજ, ઊંચા થાંભલા અને પ્રતિમાઓ છે, જે યુરોપિયન ચર્ચોની યાદ અપાવે છે. અંદર દુર્ગાની પ્રતિમા ધરાવતા મંચની ઉપર ગુંબજ જેવાં માળખામાં ઈસા મસીહ, મરિયમ અને અન્ય ખ્રિસ્તી ધર્મગુરુઓની ફ્રેમવાળી તસવીરો મૂકવામાં આવી છે.

આ પંડાલ સોશિયલ મિડિયા પર ઝડપી રીતે વાયરલ થયો છે. આ અંગે VHP અને ભાજપે પ્રતિક્રિયા આપી છે. VHPના રાષ્ટ્રીય પ્રવક્તા વિનોદ બન્સલે પંડાલની ડિઝાઇનને ધર્મપરિવર્તન માટે પ્રેરિત કરવાનો પ્રયાસ અને નિર્દોષ આદિવાસીઓને ગેરમાર્ગે દોરવા માટેનો ખતરનાક પ્રયોગ ગણાવ્યો છે. આની તપાસ થવી જોઈએ કે તેને કોણે ફંડિંગ કર્યું છે, તેમણે ઝારખંડને જેહાદની ધરતી બનાવી દીધી છે અને હવે તેઓ ચર્ચોના એજન્ડા પર આગળ વધી રહ્યા છે,એમ તેમણે કહ્યું હતું.

ઝારખંડ વિધાનસભામાં વિપક્ષના નેતા બાબુલાલ મરાંડીએ X એક પોસ્ટમાં કહ્યું હતું કે ધાર્મિક પરંપરાનું સન્માન કરવું જરૂરી છે. વિવિધ ડિઝાઇન દ્વારા પંડાલોને આકર્ષક બનાવવું જ્યાં સરાહનીય છે, ત્યાં ધાર્મિક આસ્થા અને પરંપરાનો સન્માન પણ એટલું જ જરૂરી છે. મા દુર્ગાની આરાધનાનો આ પાવન પર્વ રાજકીય સીમાઓથી પર છે અને દેશભરના 100 કરોડ સનાતની હિંદુ ભાઈ-બહેનોની આસ્થા અને એકતાનું પ્રતીક છે. મને આશા છે કે આયોજન સમિતિ વહેલી તકે આ ભૂલ સુધારી દેશે. મા દુર્ગા સૌને સદ્બુદ્ધિ પ્રદાન કરે, એમ તેમણે કહ્યું હતું.