ગાઝિયાબાદ સ્ટેશન પર ઔરંગઝેબને લઈને વિવાદ

મુંબઈઃ ગાઝિયાબાદ રેલવે સ્ટેશન પર ઔરંગઝેબને લઈને વિવાદ થયો છે. એક દીવાલ પર લાગેલા પોસ્ટર પર કેટલાક લોકોએ કાળો કલર લગાવતાં ભારે હોબાળો થયો છે. આ ઘટનાના ઘણા વિડિયો સોશિયલ મિડિયા પર વાઇરલ થઈ રહ્યા છે, જેમાં કેટલાક લોકો ઔરંગઝેબના પોસ્ટર પર કાળો કલર લગાવતાં નજરે પડે છે. પ્રારંભિક માહિતી અનુસાર હિન્દુ રક્ષા દળ નામના સંગઠને વિરોધ પ્રદર્શન કર્યું હતું અને ત્યારે જ રેલવે સ્ટેશન પર જ્યારે ઔરંગઝેબનું પેઇન્ટિંગ જોવા મળ્યું હતું, ત્યારે તાત્કાલિક તેને કાળો કલર લગાવી દેવામાં આવ્યો હતો.

હિન્દુ સંગઠનનું મિડિયા સાથે વાત કરતાં કહેવું છે કે મુસ્લિમ આક્રમણકર્તાનું પેઇન્ટિંગ સરકારી ઈમારત પર કેમ લગાવવામાં આવ્યું છે? તેને ક્યારેય મંજૂરી આપી નહીં શકાય. આ જ બાબતને લઈને વિવાદ શરૂ થયો અને કાળો કલર લગાવવામાં આવ્યો હતો.. ગાઝિયાબાદ પહેલાં પણ ઘણાં અન્ય શહેરોમાં ઔરંગઝેબને લઈને આવો જ વિવાદ જોવા મળ્યો હતો અને કેટલીક જગ્યાએ તો હિંસા પણ થઈ હતી. નાગપુરમાં તો પોલીસ પર પણ પથ્થરમારો થયો હતો.

હાલ જે વિવાદ ચાલી રહ્યો છે તેના મૂળમાં અભિનેતા વિક્કી કૌશલની ફિલ્મ ‘છાવા’ છે, જે આ વર્ષે ફેબ્રુઆરીમાં રિલીઝ થઈ હતી. ફિલ્મ બોક્સ ઓફિસ પર તો બ્લોકબસ્ટર સાબિત થઈ જ હતી, પણ તેણે વિવાદને પણ જન્મ આપ્યો છે. આ ફિલ્મ જોવાથી બાદ ઘણા હિન્દુ સંગઠનોએ માગણી કરી હતી કે ઔરંગઝેબનું સમાધિ સ્થળ નાગપુરમાંથી હટાવવું જોઈએ. ત્યાર બાદમાં આ મુદ્દે ઘણી રાજકીય ટિપ્પણીઓ પણ શરૂ થઈ હતી. દિલ્હીમાં તો ભાજપે ઘણા રસ્તાનાં નામ બદલવાની માગણી કરી હતી અને કેટલાક નેતાઓએ તો પોતાના નિવાસ પર ઔરંગઝેબ રોડ લખાવવાનું પણ નકાર્યું હતું.