આધાર, રેશન કાર્ડ, મતદાર-IDને પણ પુરાવા માનોઃ સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હીઃ બિહારમાં મતદાર યાદીની સમીક્ષા પર સ્ટે મૂકવાનો સુપ્રીમ કોર્ટે ઈનકાર કર્યો છે, એટલે કે બિહારમાં મતદાર યાદીની સમીક્ષા હવે ચાલુ રહેશે. એ સાથે સાથે સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને આ પ્રક્રિયામાં આધાર કાર્ડ, રેશન કાર્ડ અને મતદાર ઓળખપત્રને પુરાવા તરીકે માનવાની સૂચના પણ આપી છે. જસ્ટિસ સુધાંશુ ધૂલિયા અને જસ્ટિસ જોયમાલ્યા બાગચીની બેંચે આ કેસની સુનાવણી કરી હતી. હવે આગામી સુનાવણી 28 જુલાઈએ થશે.

સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આમ તો અમારી પ્રાથમિક દ્રષ્ટિએ એવી માન્યતા છે કે મતદાર યાદીની ખાસ વિશિષ્ટ સમીક્ષામાં આધાર કાર્ડ, મતદાર ઓળખપત્ર અને રેશન કાર્ડ જેવા દસ્તાવેજોને પુરાવા તરીકે માનવામાં આવી શકે છે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે 10 વિપક્ષી પક્ષોના નેતાઓ સહિત કોઈ પણ અરજીકર્તાએ ચૂંટણી પંચની આ પ્રક્રિયા પર આંતરિક રોક લગાવાની માગ કરી નથી. સુપ્રીમ કોર્ટે સંબંધિત અરજીઓ પર ચૂંટણી પંચ પાસેથી જવાબ માગ્યો છે અને 28 જુલાઈએ આગલી સુનાવણી રાખી છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે ચૂંટણી પંચ 21 જુલાઈ સુધીમાં જવાબી સોગંદનામું દાખલ કરે અને 28 જુલાઈ સુધીમાં પ્રત્યુત્તર દાખલ થાય.

કોર્ટની બેંચે કહ્યું હતું કે તેમને ચૂંટણી પંચની વિશ્વસનીયતા અને ઈમાનદારી પર કોઈ સંદેહ નથી કારણ કે તે એક બંધારણીય જવાબદારી છે, પરંતુ આ પ્રક્રિયાનું સમયગાળો શંકા ઊભી કરે છે. સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચ તરફથી રજૂ થયેલા વરિષ્ઠ વકીલ રાકેશ દ્વિવેદીને કહ્યું હતું કે અમે તમારી ઈમાનદારી પર શંકા નથી કરતા, પરંતુ કેટલીક ધારણાઓ છે. અમે તમને રોકવા વિશે વિચારતા નથી, કારણ કે આ તમારી બંધારણીય ફરજ છે.

દ્વિવેદીએ જણાવ્યું હતું કે 60 ટકા મતદાતાઓએ પોતાની ઓળખપત્ર પ્રમાણિત કરી દીધી છે અને તેમણે ન્યાયાલયને ખાતરી આપી કે કોઈને પણ પોતાનો પક્ષ રજૂ કરવાની તક આપ્યા વિના મતદાર યાદીમાંથી બહાર નહીં કાઢવામાં આવે.