રાજકોટ: ગુજરાતના રાજકારણમાં સૌરાષ્ટ્ર નું મહત્વનું સ્થાન છે. રાજકીય ગલીયારીમાં એવું કહેવાય છે કે ગાંધીનગરમાં શાસન મેળવવાનો રસ્તો સૌરાષ્ટ્રમાંથી જાય છે. ભાજપે 1995માં પહેલી વાર સતા મેળવી ત્યારે સૌરાષ્ટ્રે સૌથી વધુ બેઠકો આપી હતી અને સૌરાષ્ટ્રના નેતા કેશુભાઈ મુખ્યમંત્રી બન્યા હતા. હાલ સમય બદલાયો છે. કોંગ્રેસને સૌરાષ્ટ્રમાં એક પછી એક રાજકીય આંચકાઓ મળી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં કોંગ્રેસ પહેલી વખત તળિયે પહોંચી ગઈ છે. જે રાજકીય ઘટનાક્રમ જોવા મળી રહ્યો છે તે જોતાં એવું ચિત્ર ઉપસી રહ્યું છે કે વિધાનસભામાં સૌરાષ્ટ્રમાંથી કોંગ્રેસના શું માત્ર એક જ ધારાસભ્ય રહેશે ?
સૌરાષ્ટ્ર – કચ્છની 54 વિધાનસભા બેઠકોમાં છેલ્લે 2022ની ચૂંટણીમાં માત્ર 3 બેઠક મળી હતી. તેમાં પોરબંદરથી અર્જુન મોઢવાડિયા, માણાવદરથી અરવિંદ લાડાણી અને સોમનાથથી વિમલ ચુડાસમાનો સમાવેશ થાય છે. દરમિયાન 5મી માર્ચ, 2024ના રોજ કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયાએ કોંગ્રેસને રામ-રામ કરીને કેસરિયો પહેરી લીધો. આમ કોંગ્રેસની સૌરાષ્ટ્રમાં એક બેઠક ગઈ. આજે માણાવદરના કોંગ્રેસના ધારાસભ્યએ પણ રાજીનામું આપી દીધું છે અને તેઓ પણ ભાજપમાં જોડાઈ રહ્યા છે. તેમની પ્રદેશ ભાજપના નેતાઓ સાથે બેઠક થઈ ગઈ છે. હવે સૌરાષ્ટ્રમાં માત્ર એક જ બેઠક ગીર-સોમનાથની કોંગ્રેસ પાસે રહી.
અગાઉ 2012 ની વિધાનસભાની ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાં ભાજપને 36 અને કોંગ્રેસને 15 બેઠક અને GPPને 2 અને 1 બેઠક NCPને મળી હતી. પાંચ વર્ષ બાદ 2017માં પાટીદાર આંદોલનને કારણે કોંગ્રેસ મજબૂત બની હતી. તેની અસર ચૂ્ંટણીમાં જોવા મળી. ગુજરાતમાં 77 બેઠક કોંગ્રેસને મળી તેમાં સૌરાષ્ટ્રમાંથી 20 જેટલી બેઠકોનો હિસ્સો હતો.
સૌરાષ્ટ્રમાં કોંગ્રેસના એક સમયે વિઠ્ઠલ રાદડીયા, કુંવરજી બાવળિયા, રાઘવજી પટેલ, અર્જુન મોઢવાડિયા સહિતના મોટા નેતા હતા. જે આજે ભાજપમાં છે. આગામી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને સૌરાષ્ટ્રમાં ઉમેદવારો ગોતવાના ફાંફાં પડી રહ્યા છે. ગુજરાતમાં રાહુલ ગાંધીની ન્યાય યાત્રા 7મી માર્ચે આવી રહી છે. ત્યારે તેની પૂર્વ સંધ્યાએ ગુજરાત કોંગ્રેસમાં ઉત્સાહની જગ્યાએ મનોમંથનની ચિંતાઓ નેતાઓના ચહેરા પર જોવા મળી રહી છે.
– દેવેન્દ્ર જાની (રાજકોટ)